બદલાતી જીવનશૈલી, વધતી ઉંમર અને સતત ઊભા રહીને કામ કરવાની આદતને કારણે પગના દુખાવા, સોજા અને ઘૂંટણની સમસ્યાઓ આજે સામાન્ય બની ગઈ છે. આવા સમયમાં વાગરા ખાતે આવેલા જાણીતા સ્થળ બચ્ચો કા ઘર ખાતે છેલ્લા એક અઠવાડિયાથી યોજાયેલા વિશેષ નિઃશુલ્ક સ્વાસ્થ્ય નિદાન અને સારવાર કાર્યક્રમને સ્થાનિક નાગરિકો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. આ શિબિરમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી પોતાના પગ સંબંધિત વિવિધ રોગોની તપાસ અને માર્ગદર્શન મેળવી રાહતનો અનુભવ કર્યો હતો.
આ સમગ્ર કાર્યક્રમની સૌથી મોટી વિશેષતા એ રહી કે તેમાં ધર્મ કે જાતિના કોઈપણ ભેદભાવ વગર હિન્દુ અને મુસ્લિમ બંને સમાજના લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. સર્વ સમાજના લોકો એક જ સ્થળે સ્વાસ્થ્ય સેવાઓનો લાભ લેતા જોવા મળ્યા, જે સામાજિક સૌહાર્દ અને એકતાનું સુંદર ઉદાહરણ બની રહ્યું છે. એક અઠવાડિયા સુધી સતત ચાલેલી આ શિબિરમાં લાંબા સમયથી પગના દુખાવા, ઘૂંટણમાં સોજો, ગોટલામાં દુખાવો, સ્નાયુ ખેંચાવા, પગના તળિયામાં બળતરા, ખાલી ચડવી તેમજ પગમાં તાણ અને સંવેદનહીનતા જેવી સમસ્યાઓથી પીડિત લોકોને નિદાન અને માર્ગદર્શન આપવામાં આવ્યું. નિષ્ણાતોએ દરેક વ્યક્તિની સમસ્યાને ધ્યાનમાં રાખીને યોગ્ય સલાહ અને સારવાર અંગે માહિતી આપી.
શિબિર દરમિયાન આયોજકો દ્વારા જણાવાયું કે અહીં ઉપયોગમાં લેવાતી BIO અને ACU Technology આધારિત પદ્ધતિ શરીરના પગના સ્નાયુઓ અને નસોને કુદરતી રીતે ઉત્તેજિત કરીને રક્તસંચાર સુધારવામાં મદદરૂપ બને છે. તેમના જણાવ્યા મુજબ આ પદ્ધતિ દવાઓ વગર સ્વાસ્થ્યમાં સુધારો લાવવાના પ્રયાસ પર આધારિત છે અને પગ સંબંધિત અનેક તકલીફોમાં રાહત મેળવવા માટે ઉપયોગી બની શકે છે.
વાગરા વિસ્તારમાં અગાઉ પણ આંખોની નિઃશુલ્ક તપાસ અને સારવાર જેવા અનેક સ્વાસ્થ્યલક્ષી કાર્યક્રમો યોજાતા રહ્યા છે, જેનો ખાસ કરીને ગરીબ અને જરૂરિયાતમંદ લોકો મોટી સંખ્યામાં લાભ લે છે. ‘બચ્ચો કા ઘર’ ખાતે યોજાયેલ આ સાપ્તાહિક સ્વાસ્થ્ય શિબિરે પણ લોકોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધારવાની સાથે સર્વ સમાજને એક મંચ પર લાવી માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com