Skip to main content

Geo Gujarat News

ભરૂચ કોર્ટનો કડક ચુકાદો: પત્નીને પેટ્રોલ છાંટી જીવતી સળગાવનાર પતિને આજીવન કેદ, પત્નીની હત્યાના કેસમાં કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, આરોપીને 10 હજારનો દંડ પણ ફટકારાયો.

વાગરામાં પત્ની પર પેટ્રોલ છાંટી આગ ચાંપી તેની હત્યા કરવાના ચકચારી કેસમાં ભરૂચની અદાલતે આરોપી પતિને કડક સજા ફટકારી છે. પાંચમા એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ પી.એમ. સોનીની અદાલતે આરોપી આસિફ ઇકબાલ સિતપોરિયાને દોષિત ઠેરવી આજીવન કેદ તથા રૂ.10 હજારના દંડની સજા સંભળાવી છે. અદાલતનાચુકાદાથી પત્ની પર અત્યાચાર અને ઘરેલુ હિંસા આચરનારાઓ સામે કાયદો કડકાઈથી કાર્યવાહી કરી શકે છે તેવો સ્પષ્ટ સંદેશ ગયો છે. વર્ષ 2020માં વાગરા પોલીસ મથકમાં નોંધાયેલાકેસમાં ફરિયાદ મુજબ આસિફ ઇકબાલ સિતપોરિયા પોતાની પત્ની યાસ્મીનબેન સાથે અવારનવાર ઝઘડો કરી માનસિક તેમજ શારીરિક ત્રાસ ગુજારતો હતો. પતિના સતત ત્રાસ વચ્ચે પણ યાસ્મીનબેન ઘર સંભાળતી હતી, પરંતુ 15 જાન્યુઆરી 2020ના રોજ બનેલી ઘટનાએ સમગ્ર મામલાને કરુણ અંજામ આપ્યો હતો. ઘટનાના દિવસે યાસ્મીનબેન ઘરની બહાર તાપણું કરી રહ્યા હતા ત્યારે આસિફ ત્યાં આવ્યો હતો અને તેમની સાથે તકરાર કરી અપશબ્દો બોલ્યા હતા. ત્યારબાદ યાસ્મીનબેન જમવાનું કાઢવા માટે રસોડામાં ગયા ત્યારે આરોપીએ તેમની સાથે મારઝૂડ કરી ત્રણ-ચાર તમાચા માર્યા હતા. આ દરમિયાન આરોપીએ ‘આજે તને પતાવીદેવી છે’ જેવી ધમકી આપી હતી. ત્યારબાદ ઘરમાં રાખેલું પેટ્રોલ પત્ની પર છાંટી દૂરથી દિવાસળી ચાંપી દેતા યાસ્મીનબેન આગની લપેટમાં આવી ગંભીર રીતે દાઝી ગયા હતા.આ ઘટનામાં ગંભીર રીતે દાઝેલા યાસ્મીનબેનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું કરુણ મોત નીપજ્યું હતું. પત્ની સાથેના ઘરેલુ વિવાદને હિંસક અંજામ આપનાર પતિ સામે વાગરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી અને સમગ્ર મામલો સેશન્સ કોર્ટ સુધી પહોંચ્યો હતો. આ કેસમાં સેશન્સ કેસ નં. 26/2020 હેઠળ ભરૂચની પાંચમા એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સુનાવણી ચાલી હતી. સરકાર પક્ષે સરકારી વકીલ જે.જે. પરમારે આરોપીને સજા અપાવવા માટે કેસની અસરકારક રજૂઆત કરી હતી. સરકાર પક્ષે સાહેદોની જુબાની સાથે ફરિયાદી તથા મૃતકનું ડાઈંગ ડિક્લેરેશન, FSL રિપોર્ટ, સ્વતંત્ર સાહેદોની જુબાની તેમજ અન્ય દસ્તાવેજી અને વૈજ્ઞાનિક પુરાવાઓ કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. કોર્ટમાં રજૂ થયેલા પુરાવાઓ અને બંને પક્ષની દલીલોનું મૂલ્યાંકન કર્યા બાદ અદાલતે આરોપી આસિફ ઇકબાલ સિતપોરિયાને કસૂરવાર ઠેરવ્યો હતો. IPCની કલમ 302 અને 201 હેઠળ દોષિત ઠેરવી આરોપીને આજીવન કેદ અને રૂ.10 હજારના દંડની સજા ફટકારવામાં આવી છે.આ ચુકાદાને માત્ર એક હત્યાના કેસનો અંત નહીં, પરંતુ ઘરેલુ હિંસા સામે કાયદાની કડક કાર્યવાહી તરીકે જોવામાં આવી રહ્યો છે. સરકારી વકીલ જે.જે. પરમારે જણાવ્યું હતું કે પત્નીને જીવનસાથી અને અર્ધાંગિનીના બદલે કામવાળી બાઈ સમજી તેના પર અત્યાચાર ગુજારનારાઓ માટે આ ચુકાદો સમાજમાં દાખલો બેસાડનારો છે. ભરૂચ કોર્ટના આ કડક ચુકાદાથી પત્ની પર હિંસા ગુજારનારાઓ માટે ‘ઘરેલું ઝઘડો’ કહીને ગંભીર ગુનાને ઢાંકવાનો પ્રયાસ હવે ભારે પડી શકે છે તેવો સંદેશ પણ ગયો છે.

 

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!