ભરૂચ શહેરમાં ગેરકાયદેસર જુગારની પ્રવૃત્તિઓ સામે પોલીસે કાર્યવાહી તેજ કરી છે. સી ડિવિઝન પોલીસને મળેલી બાતમીના આધારે મકતમપુરના માછી ફળિયામાં ખુલ્લી જગ્યાએ દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં પત્તા વડે જુગાર રમતા ત્રણ શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ, દરોડા દરમિયાન સંદીપ કામદેવભાઈ વસાવા, ધૂળા ચંદુભાઈ રાઠોડ અને સંજય રામસેવક નિશાદ મળી આવ્યા હતા. પોલીસે ત્રણેયની અટકાયત કરી તેમની પાસેથી રોકડ રકમ સહિત જુગારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી અંગત રોકડ રૂ.8,490, જ્યારે જુગારના દાવ પર રહેલી રૂ.2,700ની રકમ મળી આવી હતી. પોલીસે પત્તા સહિત કુલ રૂ.11,190નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ અંગે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ મથકે જુગારધારા કલમ-12 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ દ્વારા ત્રણેય સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જુગાર સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામવા માટે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com