રક્ષાબંધન પર્વ નિમિત્તે અંકલેશ્વરથી સુરત જવા દહાણુ એક્સપ્રેસમાં મુસાફરી કરી રહેલી 26 વર્ષીય મહિલાના પર્સમાંથી સોનાનું મંગળસૂત્ર અને રોકડ મળી કુલ 48 હજારથી વધુની કિંમતનો મુદ્દામાલ ચોરી થયાની ઘટના સામે આવી છે. આ મામલે અંકલેશ્વર રેલવે પોલીસે અજાણ્યા તસ્કર વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, અંકલેશ્વરના અંદાડા ખાતે સમ્રાટ રેસિડેન્સીમાં રહેતી હર્ષિતાબેન 26 ઓગસ્ટના રોજ સુરત જવા માટે અંકલેશ્વર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-2 પર પહોંચી હતી. સવારે આશરે 7:45 વાગ્યે દહાણુ એક્સપ્રેસ ટ્રેન આવતા તેઓ પાછળના ભાગે આવેલા મહિલા કોચમાં સવાર થયા હતા. ટ્રેન પાનોલી રેલવે સ્ટેશન પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે હર્ષિતાબેને પોતાના લાઈટ ગ્રીન રંગના પર્સની તપાસ કરતાં તેમાં રાખેલું નાનું મનીપર્સ ગાયબ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. મનીપર્સમાં આશરે 300થી 400 જેટલી રોકડ ઉપરાંત સોનાનું મંગળસૂત્ર રાખવામાં આવ્યું હતું.
ફરિયાદ મુજબ, સોનાના મંગળસૂત્રનું વજન આશરે 13 ગ્રામ હતું અને તે વર્ષ 2019માં 47,854માં ખરીદવામાં આવ્યું હતું. રોકડ સહિત મંગળસૂત્રની કિંમત મળી કુલ 48 હજારથી વધુનો મુદ્દામાલ ચોરી થયો હોવાનું જણાવાયું છે. મહિલાને આશંકા છે કે ટ્રેનના મહિલા કોચમાં રહેલી ભીડનો લાભ ઉઠાવી કોઈ અજાણ્યો તસ્કર તેમના પર્સમાંથી મનીપર્સ સેરવી ગયો હતો. રક્ષાબંધન પર્વ પૂર્ણ થયા બાદ વતનથી પરત ફર્યા પછી તેમણે અંકલેશ્વર રેલવે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અજાણ્યા આરોપી સામે ગુનો નોંધી ટ્રેનમાં તથા આસપાસના વિસ્તારમાં તપાસ શરૂ કરી છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com