ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ગંગવા ગામેથી માછીમારી માટે દરિયામાં ગયેલા 8 માછીમારો મુશ્કેલીમાં મુકાયા હતા. કાવી, કંબોઈ અને ધુવારણ વચ્ચેના દરિયામાં માછીમારોની બોટમાં અચાનક ટેકનિકલ ખામી સર્જાતા બોટ દરિયામાં જ અટવાઈ ગઈ હતી. પરિસ્થિતિ ગંભીર બનતા બોટમાં સવાર માછીમારો પૈકી કેટલાકે જીવ બચાવવા દરિયામાં ઝંપલાવ્યું હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક સ્તરે તાત્કાલિક બચાવ પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા. સ્થાનિક લોકોની મદદથી દેહગામ નજીકથી 7 માછીમારોને સલામત રીતે બહાર કાઢવામાં સફળતા મળી હતી.
બચાવ કામગીરી દરમિયાન દેહગામના સરપંચ, કાવીના સરપંચ સહિત સ્થાનિક લોકો ઘટનાસ્થળે હાજર રહી જરૂરી મદદમાં જોડાયા હતા. જોકે, 8 માછીમારો પૈકી એક માછીમાર હજુ સુધી લાપતા હોવાનું સામે આવ્યું છે. લાપતા માછીમારની શોધખોળ માટે સ્થાનિકો દ્વારા દરિયામાં પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ઘટનાને પગલે ગંગવા સહિતના માછીમાર પરિવારોમાં ચિંતાનો માહોલ છવાયો છે અને લાપતા માછીમારની સલામત રીતે ભાળ મળે તેવી પરિવારજનો આશા રાખી રહ્યા છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com