Skip to main content

Geo Gujarat News

વાગરા: દહેજના ઉદ્યોગોને હવે બેદરકારી નહીં ચાલે! ઇમરજન્સી સામે કડક એક્શન પ્લાન, દિવાળી વેકેશનમાં પણ સ્ટાફ ફરજિયાત!

વાગરા-દહેજના સંવેદનશીલ ઔદ્યોગિક વિસ્તારમાં ઇમરજન્સી સમયે સલામતી વ્યવસ્થામાં કોઈ કચાશ ન રહે તે માટે તંત્રએ ઉદ્યોગો સામે સખત વલણ અપનાવવાના સંકેત આપ્યા છે. 10 સપ્ટેમ્બરે દહેજ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન ખાતે યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં એસોસિએશનના ચેરમેન એમ.એન. મનાણી તથા ફેક્ટરી ઇન્સ્પેક્ટર વી.એ. હળવદિયાની હાજરીમાં MAH યુનિટ્સના કારખાનેદારો સાથે સલામતી વ્યવસ્થાઓ અંગે ગંભીર ચર્ચા કરવામાં આવી હતી. ઔદ્યોગિક વિસ્તારમાં અકસ્માત કે અન્ય કોઈ મોટી ઇમરજન્સી સર્જાય ત્યારે એક કંપની બીજી કંપનીની મદદે તાત્કાલિક પહોંચી શકે તે માટે મ્યુચ્યુઅલ એઇડ સિસ્ટમને વધુ મજબૂત અને અસરકારક બનાવવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી. માત્ર કંપનીની ચાર દિવાલોમાં સલામતી પૂરતી નહીં, પરંતુ આસપાસના ગામડાઓમાં રહેતા લોકો પણ ઔદ્યોગિક જોખમો અંગે માહિતગાર બને તે માટે જાગૃતિ કાર્યક્રમો યોજવા ભાર મૂકાયો હતો. ખાસ કરીને દિવાળી વેકેશનના નામે સલામતી વ્યવસ્થાને ઢીલી પાડવાની કોઈ છૂટ નહીં મળે તેવો સ્પષ્ટ સંદેશ બેઠકમાંથી અપાયો હતો.વેકેશન દરમિયાન પણ કારખાનાઓમાં પૂરતો સ્ટાફ ઉપલબ્ધ રહે અને ઇમરજન્સી ઊભી થાય તો તાત્કાલિક બચાવ તથા નિયંત્રણની કામગીરી શરૂ થઈ શકે તે માટે જરૂરી વ્યવસ્થા રાખવા સૂચના આપવામાં આવી હતી. સિક્યુરિટી સ્ટાફને પણ માત્ર ગેટ પર બેસાડવા નહીં, પરંતુ ઇમરજન્સી હેન્ડલિંગની જરૂરી તાલીમ આપવા ભાર મૂકાયો હતો. આ ઉપરાંત દિવાળી વેકેશન શરૂ થાય તે પહેલાં તમામ MAH યુનિટ્સમાં ફરજિયાત મોકડ્રિલ યોજવાની સૂચના આપવામાં આવી છે. ઇમરજન્સી સમયે કાગળ પરની સલામતી વ્યવસ્થા ખરેખર મેદાનમાં કેટલી અસરકારક છે તેની ચકાસણી માટે મોકડ્રિલ મહત્વપૂર્ણ બની રહેશે. આગામી દિવસોમાં વિભાગીય તંત્ર દ્વારા પણ મોકડ્રિલનું આયોજન કરવામાં આવશે. દહેજ-વાગરા જેવા અત્યંત સંવેદનશીલ ઔદ્યોગિક પટ્ટામાં ભૂતકાળની ઘટનાઓ બાદ સલામતી મુદ્દે હવે માત્ર બેઠક અને સૂચનાઓ પૂરતી નહીં, પરંતુ નિયમોના વાસ્તવિક અમલ અને જવાબદારી નક્કી કરવાની જરૂરિયાત વધુ તીવ્ર બની છે. એક નાની બેદરકારી મોટી જાનહાનિમાં ફેરવાઈ શકે છે ત્યારે ઉદ્યોગ સંચાલકો અને સંબંધિત તંત્રએ સલામતીને કાગળ પર નહીં, પરંતુ જમીન પર અમલમાં મૂકવી પડશે.

 

 

 

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!