Skip to main content

Geo Gujarat News

વાગરા: દહેજમાં પગારના ઝઘડાએ લીધો મજૂરનો જીવ! માથામાં સળિયાના છ ઘા મારી હત્યા કરનારને આજીવન કેદ..

વાગરા તાલુકાના દહેજ ખાતે આવેલી રૂચી પેટ્રોકાસ્ટ કંપનીની લેબર કોલોનીમાં પગારની રકમ બાબતે થયેલો સામાન્ય ઝઘડો અત્યંત ઘાતકી હત્યામાં ફેરવાયો હતો. મજૂરો વચ્ચેની બોલાચાલી દરમિયાન આરોપી લાલબહાદુર કાદીર ગૌતમે મજૂર અવધેશ દોબાલ ગૌતમ પર લોખંડના સેન્ટિંગના સળિયા વડે જીવલેણ હુમલો કરી માથાના ભાગે એક-બે નહીં પરંતુ કુલ છ ઘા ઝીંકી દીધા હતા.ગંભીર ઇજાઓના કારણે અવધેશનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.10 મે, 2023ના રોજ બનેલી આ હત્યાની ઘટનાએ દહેજની લેબર કોલોનીમાં ભારે ચકચાર મચાવી હતી. પગારની રકમને લઈને શરૂ થયેલી બોલાચાલી દરમિયાન આરોપીએ કાબૂ ગુમાવી નિર્દયતાની તમામ હદ વટાવી દીધી હતી. લોખંડના સળિયા વડે માથા પર ઉપરાછાપરી ઘા મારી મજૂરની હત્યા કરી દેવામાં આવતા સમગ્ર મામલો ગંભીર હત્યા કેસમાં પરિણમ્યો હતો.ઘટના બાદ દહેજ પોલીસ મથકે આરોપી વિરુદ્ધ IPCની કલમ 302, 504 તેમજ ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ આરોપી સામે કોર્ટમાં તહોમતનામું રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શરૂ થયેલી ન્યાયિક પ્રક્રિયામાં સરકાર પક્ષે આરોપીને સજા અપાવવા માટે મજબૂત પુરાવા અને સાક્ષીઓ રજૂ કર્યા હતા. કેસની સુનાવણી દરમિયાન વિશેષ સરકારી વકીલ મનોહરસિંહ જી. રાઠોડે સરકાર પક્ષ તરફથી કુલ 21 સાક્ષીઓની તપાસ કરી હતી અને 17 જેટલા મહત્વના દસ્તાવેજી પુરાવા કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. સરકાર પક્ષની ધારદાર દલીલો અને રજૂ થયેલા પુરાવાઓને ધ્યાને લઈ અદાલતે આરોપીને હત્યા સહિતની કલમો હેઠળ દોષિત ઠેરવ્યો હતો.11 સપ્ટેમ્બર, 2026ના રોજ નામદાર સેશન્સ જજ ઈ.એમ. શેખની કોર્ટ દ્વારા મહત્વપૂર્ણ ચુકાદો જાહેર કરવામાં આવ્યો હતો. કોર્ટે આરોપી લાલબહાદુર કાદીર ગૌતમને IPCની કલમ 302, 504 તથા ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 હેઠળ આજીવન કેદની સજા ફટકારી છે. સાથે જ આરોપીને 50,000નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. પગારની રકમ બાબતે થયેલા ઝઘડાનો અંત મજૂરના લોહીથી થયો હતો અને હવે અદાલતના કડક ચુકાદાથી હત્યારા પર કાયદાનો સકંજો વધુ મજબૂત બન્યો છે. સામાન્ય બોલાચાલીને હિંસક સ્વરૂપ આપી નિર્દયતાથી જીવ લેવાની ઘટનામાં આજીવન કેદનો ચુકાદો કાયદો હાથમાં લેવાની માનસિકતા ધરાવતા લોકો માટે પણ સ્પષ્ટ સંદેશ સમાન છે.

 

 

 

 

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!