Skip to main content

Geo Gujarat News

વાગરા: પહાજમાં 27 વર્ષીય યુવક ઉપર છરાના ઘા, વડોદરામાં સારવાર દરમિયાન યુવકનું મોત નિપજ્યું, હત્યારો પોલીસ પકડથી દૂર!

વાગરા તાલુકાના પહાજ ગામે ગત રાત્રે બનેલી એક હચમચાવી નાખતી ઘટનાએ સમગ્ર પંથકને સ્તબ્ધ કરી દીધો છે. વરસાદી માહોલ વચ્ચે અચાનક વીજળી ગુલ થતાં સર્જાયેલા અંધારાનો લાભ લઈ 27 વર્ષીય યુવક ઉપર ઘાતક હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. કાછીયા ફળિયા વિસ્તારમાં મિત્રો સાથે બેઠેલા વસીમ ઇકબાલ દિવાન ઉપર અચાનક હુમલો થતાં તે ગંભીર રીતે લોહીલુહાણ બન્યો હતો. હુમલાની ગંભીરતા એટલી હતી કે યુવકને તાત્કાલિક સારવાર માટે ખસેડવો પડ્યો હતો, પરંતુ આખરે મોડી રાત્રે વડોદરામાં સારવાર દરમિયાન તેનું મોત નિપજતાં પરિવારે જુવાનજોધ દીકરો ગુમાવ્યો છે. મળતી માહિતી મુજબ, પહાજ ગામના કાછીયા ફળિયા વિસ્તારમાં વસીમ દિવાન પોતાના મિત્રો સાથે બેઠો હતો. દરમિયાન વરસાદી વાતાવરણ વચ્ચે અચાનક વીજળી ગુલ થઈ ગઈ હતી. આ દરમિયાન અંધારાનો લાભ લઈ એક શખ્સે વસીમ ઉપર ઘાતક હથિયાર વડે હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે. હુમલાખોરે યુવકના હાથ, છાતી સહિત શરીરના વિવિધ ભાગો ઉપર ઉપરાછાપરી ઘા ઝીંકતાં વસીમ ગંભીર રીતે ઘવાયો હતો અને લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો. અચાનક બનેલીઘટનાથી સ્થળ પર હાજર લોકોમાં પણ ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.જોકે વસીમ સાથે હાજર મિત્રોએ હિંમત દાખવી તેને હુમલાખોરના ચુંગાલમાંથી બચાવ્યો હતો. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા. ગંભીર હાલતમાં રહેલા વસીમને કાર મારફતે તાત્કાલિક વાગરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યો હતો. પ્રાથમિક સારવાર બાદ તેની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને વધુ સારવાર માટે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ વધુ સારવાર માટે વડોદરા લઈ જવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ પરિવારજનો અને સ્વજનોની આશા પર અંતે પાણી ફરી વળ્યું હતું. મોડી રાત્રે આશરે 2:30 વાગ્યાના અરસામાં વડોદરા ખાતે સારવાર દરમિયાન વસીમનું કરુણ મોત નીપજ્યું હતું. જુવાનજોધ દીકરાના મોતના સમાચાર મળતાં જ પરિવાર ઉપર જાણે આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. ઘરમાં ખુશીઓ અને ભવિષ્યના સપનાઓ જોનાર દીકરો અચાનક મોતને ભેટતાં પરિવારજનોના આક્રંદથી સમગ્ર વાતાવરણ ગમગીન બની ગયું છે.દરમિયાન, ઘટનાસ્થળેથી વાયરલ થયેલા એક વીડિયોમાં હુમલામાં ઉપયોગમાં લેવાયો હોવાનો દાવો કરાતો છરો તેમજ બુલેટની ચાવી નજરે પડતી હોવાની વાત સામે આવી છે. વીડિયોમાં હુમલો કરનાર ઇસમ તરીકે આસિફ પટેલ નામનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો હોવાનો પણ દાવો થઈ રહ્યો છે. જોકે આ નામ સહિત વીડિયોમાં કરવામાં આવેલા કોઈપણ દાવાની પોલીસ દ્વારા સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. તેથી હુમલાખોર કોણ છે અને ઘટનામાં તેની ચોક્કસ ભૂમિકા શું છે તે પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે. યુવકનું મોત થતાં સમગ્ર મામલો હવે હત્યાના ગંભીર ગુનાની દિશામાં વધુ ગંભીર બન્યો છે. હુમલો કયા કારણસર કરવામાં આવ્યો, હુમલા પાછળ જૂની અદાવત હતી કે અન્ય કોઈ કારણ, ઘટનામાં એક જ વ્યક્તિ સંડોવાયેલી હતી કે અન્ય કોઈની ભૂમિકા છે, તેમજ ઘટનાસ્થળેથી મળ્યાના દાવા થઈ રહેલા હથિયાર અને અન્ય વસ્તુઓની હકીકત શું છે. આ તમામ સવાલોના જવાબ હવે પોલીસ તપાસમાં શોધવાના રહેશે.બીજી તરફ વાગરા પોલીસ પણ રાતથી જ આરોપીના પગેરું મેળવવા માટે દોડધામ કરી રહી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ દ્વારા આસપાસના વિસ્તારોમાં તપાસ, સંભવિત સ્થળોએ પૂછપરછ અને આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે. જોકે બનાવને કલાકો વીતી ગયા બાદ પણ આરોપી પોલીસ પકડથી દૂર હોવાનું સામે આવતાં પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. એક તરફ વરસાદી રાત, બીજી તરફ વીજળી ગુલ થતાં સર્જાયેલું અંધારું અને આ અંધારાની આડમાં યુવક ઉપર ઘાતક હુમલો, આ સમગ્ર ઘટનાએ પહાજ પંથકમાં ભયનો માહોલ ઊભો કર્યો છે. સૌથી કરુણ બાબત એ છે કે પરિવારનો 27 વર્ષીય આશાસ્પદ દીકરો હવે જીવતો નથી. પોલીસ હવે માત્ર આરોપીને શોધે એટલું જ નહીં, પરંતુ હુમલા પાછળનું સાચું કારણ બહાર લાવી સમગ્ર ઘટનાની નિષ્પક્ષ અને કડક તપાસ કરે તે જરૂરી બન્યું છે. જુવાનજોધ વસીમના મોતનો ન્યાય પરિવારને ક્યારે મળશે અને તેના મોત માટે જવાબદાર વ્યક્તિ ક્યારે કાયદાના સળિયા પાછળ જશે, તેના ઉપર હવે સમગ્ર પંથકની નજર છે.વાગરા પોલીસે સમગ્ર મામલે સત્તાવાર કાર્યવાહી હાથ ધરી આરોપી આસિફ મહંમદ પટેલ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. પોલીસ દ્વારા આરોપીની ઓળખની પુષ્ટિ કરવામાં આવી છે અને ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023 હેઠળ કલમ 103(1), 109(1) તેમજ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 135 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ પોલીસ આરોપીની ધરપકડ માટે વિવિધ સ્થળોએ શોધખોળ ચલાવી રહી છે અને સમગ્ર ઘટનાના તમામ પાસાઓની કડક તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!