ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે આંતરરાષ્ટ્રીય સ્તરે સક્રિય સાયબર માફિયાઓના એક અત્યંત ખતરનાક અને સુનિયોજિત નેટવર્કનો પર્દાફાશ કરી મોટી સફળતા મેળવી છે. ભરૂચના એક જાગૃત નાગરિક સાથે શેરબજાર અને ફોરેક્સ ટ્રેડિંગના નામે થયેલી 45.22 લાખની ઓનલાઇન લૂંટની તપાસ દરમિયાન આ કૌભાંડની કડીઓ ખુલી હતી. સાયબર ક્રાઇમ PI કે.ડી. માંગરોલિયા અને તેમની ટીમે ટેકનિકલ એનાલિસિસના આધારે વડોદરા, દાહોદ અને રાજસ્થાનમાંથી ચાર શાતિર આરોપીઓ જેમાં કરણ ભાષાણી (23), સર્વેશ ઉર્ફે ગનુ પાટીલ (20), સુબોધ શર્મા ઉર્ફે રાજુ (34) અને આર્યનકુમાર ઉર્ફે લવ પંચાલ (19)—ને દબોચી લીધા છે. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આ ટોળકી ગેરકાયદે રીતે 400થી વધુ ડમી સિમકાર્ડ મેળવી પોતાના મોબાઇલમાં નાખી OTP જનરેટ કરતી અને વ્હોટ્સએપ એકાઉન્ટ એક્ટિવ કરી આપતી હતી. આ એકાઉન્ટ્સ કંબોડિયા, દુબઈ અને વિયેતનામ જેવા દેશોમાં બેઠેલા ગઠિયાઓને સોંપવામાં આવતા, જેના દ્વારા ભારતીય નાગરિકોને શિકાર બનાવવામાં આવતા હતા.
નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ (NCCRP) પર થયેલી ઊંડાણપૂર્વકની તપાસમાં આ ડમી નંબરો સામે દેશભરમાં કુલ 44 ગંભીર ફરિયાદો અને 6 કરોડથી વધુની જંગી છેતરપિંડી થઈ હોવાની ચોંકાવનારી વિગતો સપાટી પર આવી છે. આ ચોક્કસ કેસમાં ભોગ બનનારને Profit Strategy Room 27 નામના વ્હોટ્સએપ ગ્રુપમાં ફસાવી, વધુ વળતરની લાલચે MARK CM નામની નકલી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી રોકાણ કરાવવામાં આવ્યું હતું. ભોગ બનનાર પાસેથી તબક્કાવાર 8 બેંક ખાતાઓમાં 45.22 લાખ પડાવી લીધા બાદ, પૈસા ઉપાડવા માટે વધુ 56.41 લાખની બળજબરીપૂર્વક માંગણી કરાતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. હાલ પોલીસે આરોપીઓ પાસેથી 4 મોબાઈલ ફોન સહિત મુદ્દામાલ જપ્ત કરી આ આંતરરાષ્ટ્રીય કૌભાંડના મૂળ સુધી પહોંચવા વધુ આકરી કાનૂની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com