મુંબઈના નરીમન પોઈન્ટ ખાતે વર્લ્ડ નેચરલ બોડી બિલ્ડિંગ ફેડરેશન (WNBF) દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશિપમાં ભરૂચના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરી શહેરનું નામ રોશન કર્યું છે. વિશ્વભરમાંથી તેમજ દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા 350થી વધુ સ્પર્ધકો વચ્ચે ભરૂચના ત્રણ યુવા બોડી બિલ્ડરોએ પણ પોતાની પ્રતિભા દર્શાવી હતી. જેમાં અમન કાનુંગાએ ઉત્કૃષ્ટ ફિટનેસનું પ્રદર્શન કરતાં પોતાની કેટેગરીમાં પાંચમું સ્થાન હાંસલ કરી મેડલ પોતાના નામે કર્યો હતો.
આ સ્પર્ધામાં ભરૂચના હાઉસ ઓફ બ્રોડઝિલ્લા જીમના હેડ કોચ ધવલ મહિડાના તાલીમબદ્ધ માર્ગદર્શન હેઠળ ત્રણ ખેલાડીઓ મેદાનમાં ઉતર્યા હતા. અમન કાનુંગા અને ફહાદ પટેલે જુનિયર મેન્સ ફિઝિક્સ કેટેગરીમાં જ્યારે દિપક રાજપૂતે સિનિયર ઓપન બોડી બિલ્ડિંગ કેટેગરીમાં કસોટી આપી હતી. કોચ ધવલ મહિડાના જણાવ્યા અનુસાર, છેલ્લા છ મહિનાથી ચાલી રહેલી તનતોડ મહેનત, અડગ શિસ્ત અને કડક ડાયટના બળે આ ત્રણેય એથ્લેટ્સ આંતરરાષ્ટ્રીય મંચ માટે યોગ્યતા સાબિત કરી શક્યા હતા. તેમણે ઉમેર્યું કે હાર-જીત કરતા પણ આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં ભરૂચનું પ્રતિનિધિત્વ કરવું અને આટલા મોટા પ્લેટફોર્મ પર ઉત્કૃષ્ટ પ્રદર્શન દાખવવું એ જ શહેર માટે ગૌરવપૂર્ણ સિદ્ધિ છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com