પહાજ હત્યાકાંડમાં પરિવારનો મોટો નિર્ણય! પોલીસ સાથેના ઘર્ષણ બદલ માફી, નિષ્પક્ષ ન્યાયિક તપાસની માંગ: વાગરા તાલુકાના પહાજ હત્યાકાંડમાં આરોપીના રિકન્સ્ટ્રક્શન દરમિયાન સર્જાયેલા તંગ વાતાવરણ બાદ મૃતક વસીમ ઇકબાલ દિવાનના પરિવારજનોએ એક સંવેદનશીલ અને જવાબદાર નિવેદન આપ્યું છે. મીડિયા સમક્ષ પરિવારજનોએ પોલીસ સાથે થયેલા શાબ્દિક ઘર્ષણ બદલ દિલગીરતા વ્યક્ત કરતાં જાહેરમાં માફી માંગી હતી. અને કહ્યું હતું કે દીકરાને ગુમાવ્યાના અસહ્ય દુઃખ અને ભાવનાત્મક સ્થિતિના કારણે તે સમયે પરિસ્થિતિ ઉગ્ર બની ગઈ હતી. પરિવારજનોએ સ્પષ્ટ જણાવ્યું કે તેમનો કોઈપણ પ્રકારનો વિરોધ પોલીસ તંત્ર સામે નથી. તેમણે વાગરા પોલીસનો આભાર માનતા કહ્યું કે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે ઝડપભેર કાર્યવાહી કરી, મુખ્ય આરોપીની ધરપકડ કરી અને તપાસને આગળ ધપાવવા માટે સતત પ્રયાસો કર્યા છે. પરિવારને આશા છે કે પોલીસ કાયદાની મર્યાદામાં રહીને દરેક પાસાની નિષ્પક્ષ તપાસ કરશે.
અમારે પોલીસ સામે નહીં, ન્યાય માટે લડવું છે, પહાજ હત્યાકાંડમાં પરિવારનું સંવેદનશીલ નિવેદન: પરિવારે સાથે સાથે મહત્વની માંગ પણ કરી છે કે સમગ્ર કેસની ન્યાયિક તપાસ કરવામાં આવે, જેથી ઘટનાનું સંપૂર્ણ સત્ય બહાર આવે અને જો કોઈ અન્ય વ્યક્તિની પણ સંડોવણી હોય તો તેની સામે પણ કાયદા મુજબ કડક કાર્યવાહી થાય. પરિવારનું કહેવું છે કે તેમને માત્ર ન્યાય જોઈએ છે, કોઈ નિર્દોષને સજા ન થાય અને કોઈ દોષિત બચી પણ ન જાય. આ નિવેદનથી પરિવાર અને પોલીસ વચ્ચે વિશ્વાસ અને સંયમનો સંદેશ જોવા મળ્યો છે. એક તરફ પરિવારે પોતાની લાગણીઓને કાબૂમાં રાખીને માફી માંગી, તો બીજી તરફ પોલીસ તંત્ર પર વિશ્વાસ વ્યક્ત કરીને નિષ્પક્ષ તપાસની અપેક્ષા રાખી. હવે સમગ્ર પંથકની નજર તપાસના આગામી તબક્કા પર છે. અને લોકો પણ આશા રાખી રહ્યા છે કે પહાજ હત્યાકાંડમાં સત્ય બહાર આવશે અને પીડિત પરિવારને ન્યાય મળશે.


Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com