ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આગામી તા. ૨૧ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ યોજાનાર ગણેશ વિસર્જનની ભવ્ય શોભાયાત્રાને અનુલક્ષીને વહીવટી તંત્ર દ્વારા મહત્ત્વપૂર્ણ અને કડક ટ્રાફિક નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે. મામલતદાર કચેરીથી શરૂ થઈ તિલક મેદાન તરફ જતી આ શોભાયાત્રા દરમિયાન હાઇવે પર સર્જાનારી ભારે ટ્રાફિક ભીડ અને સંભવિત ૧૫ કિલોમીટર સુધીના ટ્રાફિક જામને નિવારવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર.બી. ભોગાયતાએ ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ ની કલમ-૩૩ હેઠળ સત્તાઓનો ઉપયોગ કરીને તા. ૨૧/૦૯/૨૦૨૬ના રોજ બપોરે ૩ વાગ્યાથી સાંજે ૭ વાગ્યા સુધી સુધી આમોદ-જંબુસર મુખ્ય રોડ પર વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. આ સમયગાળા દરમિયાન જનતાની સલામતી અને સુવિધા સુનિશ્ચિત કરવા માટે તમામ નાના, ફોર-વ્હીલર તેમજ ભારે વાહનો માટે ખાસ રૂટ ડાયવર્ઝન આપવામાં આવ્યા છે, જેનું પાલન કરવું દરેક વાહનચાલક માટે અનિવાર્ય છે.
નક્કી કરાયેલા વૈકલ્પિક રૂટ મુજબ, જંબુસરથી ભરૂચ તરફ જતા નાના અને ફોર-વ્હીલર વાહનો સમા હોટેલ ત્રણ રસ્તાથી જીઇબી ત્રણ રસ્તા, આમોદ પાણીની ટાંકી થઈ મલ્લા તળાવ દ્વારા ભરૂચ તરફ ડાયવર્ટ કરવામાં આવશે, જ્યારે વિરુદ્ધ દિશામાં ભરૂચથી જંબુસર જતા વાહનો આ જ રૂટનો ઉપયોગ કરશે. આ ઉપરાંત, દહેજ અને આછોદ તરફથી આવતા ભારે વાહનો મુણેર ચોકડી, વાગરા પોલીસ સ્ટેશન હદ, દેરોલગામ અને દયાદરા ગામ થઈ નબીપુર હાઇવે તરફ વાળવામાં આવશે, તેમજ કરજણ તરફથી આવતા ભારે વાહનો માતર એક્સપ્રેસ હાઇવે અને દહેગામ ટોલનાકા થઈ દહેજ તરફ આગળ વધશે. ગણેશ પ્રતિમા ધરાવતા વાહનો અને સરકારી ફરજ પરના વાહનોને આ હુકમમાંથી અપવાદ રાખવામાં આવ્યા છે, પરંતુ આ આદેશનું ઉલ્લંઘન કરનાર કોઈપણ વ્યક્તિ સામે ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૧ હેઠળ કડક ફોજદારી કાર્યવાહી અને શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023