Skip to main content

Geo Gujarat News

આમોદના મછાસરામાં ઘરઆંગણે રમતો ૨ વર્ષનો માસૂમ વિહાન કાળમુખી ખુલ્લી ગટરમાં ખાબકતાં કરુણ મોત; સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ભારે રોષ

આમોદ તાલુકાના મછાસરા ગામે ગ્રામીણ સત્તાધીશો અને સ્થાનિક વહીવટી તંત્રની આંખ આડા કાન કરવાની નીતિ તથા ઘોર લાપરવાહીએ એક હસતા-રમતા માસૂમ બાળકની જિંદગી છીનવી લીધી છે. પોતાના ઘરઆંગણે રમી રહેલો શૈલેષભાઈ રાઠોડનો માત્ર બે વર્ષનો પુત્ર વિહાન અચાનક કાળમુખી અને મોતનું નાગચૂડ બનેલી ખુલ્લી ગટરમાં ખાબક્યો હતો. પળભરમાં જ સર્જાયેલી આ કરૂણ દુર્ઘટનાને પગલે ખુશીનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો હતો. બાળકની ગેરહાજરીથી ચિંતિત પરિવારે ગ્રામજનો સાથે મળીને ત્વરિત શોધખોળ હાથ ધરી હતી, પરંતુ કલાકોની ભારે જહેમત બાદ ગટરના ઊંડા પાણીમાંથી વિહાનનો નિષ્પ્રાણ દેહ મળી આવતાં હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા.બાળકને તાત્કાલિક રિક્ષા અને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ કિસ્મતને કંઈક અલગ જ મંજૂર હતું; ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરતાં પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. ગામમાં માળખાકીય રખરખાવની જવાબદારી સ્થાનિક સંસ્થાની છે, છતાં ગટરનું ઢાંકણ ખુલ્લું હોવું અને કોઈ ચેતવણી કે બેરિકેડિંગ ન હોવું, જાહેર સલામતીની વ્યવસ્થા અંગે ગંભીર સવાલો ઊભા કરે છે.આ માનવસર્જિત દુર્ઘટનાએ સરકારી સિસ્ટમના વિકાસના પોકળ દાવાઓની પોલ ખોલી નાખી છે. ખુલ્લી ગટર અંગે અગાઉ રજૂઆતો થઈ હતી કે નહીં અને સંબંધિત વ્યવસ્થાની જાળવણી તથા સલામતી અંગે કયા સ્તરે બેદરકારી દાખવવામાં આવી હતી, તે અંગે તટસ્થ તપાસ થવી અત્યંત જરૂરી બની છે. હાલ આ ઘટનાને પગલે સમગ્ર આમોદ પંથકમાં સ્થાનિક રહીશોમાં સ્તબ્ધતા સાથે ભારે આક્રોશ ફેલાયો છે. ગ્રામજનો અને નાગરિકો દ્વારા ઘટનાની જવાબદારી નક્કી કરી, જો કોઈની બેદરકારી સાબિત થાય તો નિયમ મુજબ કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.

Yasin Diwan
Author: Yasin Diwan

સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!