Skip to main content

Geo Gujarat News

આમોદ: માસૂમ વિહાનનો ભોગ લીધા પછી જ જાગી પંચાયત! ખુલ્લી ગટરે 2 વર્ષના બાળકનો જીવ લીધો, હવે ઢાંકણું બેસાડતાં ઉઠ્યા તીખા સવાલો

આમોદ તાલુકાના મછાસરા ગામે બનેલી હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર પંથકને હચમચાવી દીધું છે. પોતાના ઘરઆંગણે નિર્દોષ રીતે રમી રહેલો માત્ર 2 વર્ષનો વિહાન શૈલેષ રાઠોડ ખુલ્લી ગટરમાં ખાબકતાં તેનું કરુણ મોત નીપજ્યું. પળવારમાં એક હસતું-રમતું ઘર માતમમાં ફેરવાઈ ગયું અને ગામમાં શોક સાથે ભારે આક્રોશ ફેલાયો છે. પરિવારે અને ગ્રામજનોએ બાળકની તાત્કાલિક શોધખોળ શરૂ કરી હતી. કલાકોની જહેમત બાદ ગટરના પાણીમાંથી વિહાનનો નિષ્પ્રાણ દેહ બહાર કાઢવામાં આવ્યો.108 એમ્બ્યુલન્સ મારફતે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર લઈ જવાયો, પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરતાં પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. ઘટના બાદ સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે જાહેર રસ્તા પર ગટર ખુલ્લી કેવી રીતે રહી? જો ગટર પર સમયસર ઢાંકણું હોત અથવા સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી હોત તો શું આ માસૂમનો જીવ બચી શક્યો હોત? સ્થાનિકોમાં ચર્ચા છે કે ગટરના ઢાંકણાં અગાઉ કપડાં ધોવા સહિતના ઉપયોગ માટે હટાવી દેવામાં આવતા હતા, જેના કારણે ગટર ખુલ્લી રહેતી હતી.

ઘટનાએ વહીવટી તંત્ર અને ગ્રામ પંચાયતની કામગીરી સામે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. દુર્ઘટના બન્યા બાદ ગ્રામ પંચાયત હરકતમાં આવી અને ગટર પર ઢાંકણું બેસાડવાની કામગીરી શરૂ કરી. પરંતુ સ્થાનિકો સવાલ કરી રહ્યા છે કે માસૂમનો જીવ ગયા પછી જ કાર્યવાહી કેમ? ઘટનાની જાણ થતાં ધારાસભ્ય દેવકિશોર સ્વામી મૃતકના ઘરે પહોંચ્યા હતા.તેમણે પરિવારને સાંત્વના પાઠવી અને સરકાર તરફથી મળવાપાત્ર સહાય અપાવવાની ખાતરી આપી હતી. મછાસરાની આ કરૂણ ઘટના માત્ર એક પરિવારની વેદના નથી, પરંતુ ગામડાઓમાં જાહેર સલામતી અને માળખાકીય બેદરકારી અંગે ચેતવણીરૂપ ઘટના બની છે. ગ્રામજનોની માંગ છે કે સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ થાય, જવાબદારી નક્કી કરવામાં આવે અને ભવિષ્યમાં આવી કોઈ દુર્ઘટના ફરી ન બને તે માટે તમામ ખુલ્લી ગટરો અને જોખમી સ્થળોએ તાત્કાલિક સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવે.

Yasin Diwan
Author: Yasin Diwan

સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!