આમોદ નગરપાલિકાની બેદરકારી, નિષ્ક્રિયતા અને વહીવટી નિષ્ફળતા ફરી એકવાર શહેરના મુખ્ય ચાર રસ્તા પર ખુલ્લેઆમ ઉજાગર થઈ છે. શહેરની ઓળખ અને ગૌરવ વધારવા માટે માતબર ખર્ચે ઉભું કરાયેલું I LOVE AMOD લખેલું સેલ્ફી પોઇન્ટ આજે તેની નીચે ખડકાયેલા ગંદકી અને કચરાના ઢગલાઓ વચ્ચે મજાકનું પ્રતીક બની ગયું છે. આમોદ શહેરમાં પ્રવેશતા જ દરેક વ્યક્તિને સ્વાગત કરતાં પહેલાં ગંદકીના ઢગલાઓ દેખાય છે, જે આમોદ નગરપાલિકાના સ્વચ્છતાના દાવાઓની પોલ ખોલી રહ્યા છે. સૌથી ગંભીર બાબત એ છે કે, સ્થાનિક મીડિયાએ આ મુદ્દે અગાઉ અનેકો વખત સેંકડો અહેવાલો પ્રકાશિત કરીને તંત્રનું ધ્યાન દોર્યું હતું. તેમ છતાં પણ નગરપાલિકાના સત્તાધીશો અને જવાબદાર અધિકારીઓના પેટનું પાણી પણ હલ્યું નથી. જાણે જનતાની ફરિયાદો અને મીડિયાના અહેવાલોની કોઈ કિંમત જ ન હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. શહેરના હાર્દ સમાન સ્થળની આવી હાલત હોય તો અંદરના વિસ્તારોમાં સ્વચ્છતાની સ્થિતિ કેટલી દયનીય હશે તેનો અંદાજ લગાવવો મુશ્કેલ નથી.
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સમગ્ર દેશમાં સ્વચ્છતાનો સંદેશ આપી રહ્યા છે. અને કરોડો રૂપિયાની ગ્રાન્ટો પણ ફાળવવામાં આવી રહી છે. પરંતુ આમોદમાં આ અભિયાનના ખુલ્લેઆમ ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા છે. ફેન્સી બોર્ડ લગાવીને અને ફોટા પડાવીને સ્વચ્છ શહેરનો દેખાવ ઊભો કરી શકાય, પરંતુ જમીન પર ગંદકીના ઢગલાઓ તંત્રની વાસ્તવિક કામગીરીનો અરીસો બતાવી રહ્યા છે.
આ મુદ્દે આમોદના ભાજપ યુવા મોરચાના શહેર મહામંત્રી મુકેશ લક્ષ્મણ રબારીએ કોંગ્રેસ શાસિત નગરપાલિકા પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે જ્યારે ભાજપ સત્તામાં હતી. ત્યારે ગંદકીના મુદ્દે હોબાળો મચાવનારા કોંગી નેતાઓ આજે સત્તામાં આવીને રહસ્યમય મૌન કેમ ધારણ કરી બેઠા છે? શું સત્તાની ખુરશી મળતા જ જનતાના પ્રશ્નો ભૂલાઈ જાય છે? તેમણે યુથ કોંગ્રેસના નેતા કેતન મકવાણાને પણ સવાલ પૂછ્યો કે અગાઉ વિરોધ કરનારાઓ આજે ચૂપ કેમ છે? મુકેશ રબારીએ સ્પષ્ટ માંગ કરી છે કે તાત્કાલિક કચરો દૂર કરવામાં આવે, નહીં તો I LOVE AMOD લખેલું બોર્ડને સ્વચ્છ સ્થળે ખસેડી દેવામાં આવે. તો બીજી તરફ નાગરિકોમાં પણ ભારે રોષ ફાટી નીકળ્યો છે. લોકોનો આક્ષેપ છે કે ચૂંટાયેલા પદાધિકારીઓ અને અધિકારીઓ એસી ચેમ્બરમાંથી બહાર આવી શહેરની વાસ્તવિક સ્થિતિ જુએ અને જવાબદારી નિભાવે. હવે સવાલ એ છે કે આમોદ નગરપાલિકા હજુ પણ કુંભકર્ણની નિંદ્રામાં રહેશે કે પછી ગંદકીના આ સામ્રાજ્યનો કાયમી અંત લાવવા નક્કર કાર્યવાહી કરશે? જો હવે પણ પગલાં નહીં લેવાય તો I LOVE AMOD બોર્ડ શહેરની શાન નહીં, પરંતુ આમોદ નગરપાલિકાની વહીવટી નિષ્ફળતાની જીવતી-જાગતી સાક્ષી બની રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે શાસન કોંગ્રેસનું હોય કે ભાજપનું, આમોદની જનતા આજે એક જ સવાલ પૂછે છે. શું સત્તા માત્ર ચૂંટણી જીતવા માટે જ હોય છે કે લોકોની સમસ્યાઓ ઉકેલવા માટે પણ? સત્તા મળ્યા પહેલાં ગંદકી સામે કેમેરા લઈને વિરોધ કરનારા નેતાઓ આજે સત્તાની ખુરશી મળતા જ મૌન કેમ ધારણ કરી બેઠા છે? જે મુદ્દે રસ્તા પર ઉતરીને હોબાળો મચાવ્યો હતો, એ જ ગંદકી આજે કેમ દેખાતી નથી? શું ખુરશી મળતા જ આંખો બંધ થઈ જાય છે કે પછી જનતાના પ્રશ્નોનું મૂલ્ય જ સમાપ્ત થઈ જાય છે? આમોદના લોકોનો આક્રોશ સ્પષ્ટ છે. પ્રચાર અને રાજકારણ પૂરતું નહીં, હવે જવાબદારી અને કામ જોઈએ. નહીં તો જનતા પૂછશે કે વિરોધ માત્ર સસ્તી પ્રસિદ્ધિ માટે હતો કે ખરેખર શહેરની ચિંતા માટે? તાજેતરમાં જ શહેરની સ્વચ્છતા વ્યવસ્થા મજબૂત બને તે હેતુથી DGVCL દ્વારા CSR હેઠળ આમોદ નગરપાલિકાને મિની JCB અને ટ્રેક્ટર જેવી મોંઘી સફાઈ મશીનરી અર્પણ કરવામાં આવી છે. ત્યારે હવે સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે આ મશીનો શહેરને ચોખ્ખું કરવા માટે મળ્યા છે કે માત્ર લોકાર્પણના ફોટા પડાવવા માટે? શહેરના મુખ્ય માર્ગો પર આજે પણ ગંદકીના ઢગલા જોવા મળતા હોય તો આ સાધનોનો ઉપયોગ ક્યાં થઈ રહ્યો છે? જાગૃત નાગરિકોની માંગ છે કે, કરોડો રૂપિયાના સાધનો ધૂળ ખાતા રહે તેના બદલે તાત્કાલિક મેદાનમાં ઉતારી સમગ્ર શહેરમાંથી કચરો દૂર કરવામાં આવે અને સ્વચ્છતા માટે કાયમી તથા જવાબદાર વ્યવસ્થા ઉભી કરવામાં આવે તે અત્યંત જરૂરી છે.
ગંદકી દેખાડતા જ પેટમાં તેલ કેમ રેડાય છે? સવાલ મીડિયાનો નહીં, નગરની સમસ્યાનો છે! અત્રે ખાસ નોંધનીય છે કે આમોદ શહેરની ગંદકીનો અરીસો જનતા સમક્ષ મૂકતા જ કેટલાક લોકોના પેટમાં જાણે ગરમ તેલ રેડાઈ રહ્યું હોય તેવી પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. કેટલાક તત્વો સવાલ ઉઠાવી રહ્યા છે કે, પાછલા પાંચ વર્ષમાં આવા ન્યૂઝ કેમ ન આવ્યા? પરંતુ આવા આક્ષેપ કરતા પહેલાં તેમણે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન પ્રકાશિત થયેલા અહેવાલો જોવાની ખરેખર ખાસ જરૂર છે. મીડિયાનું કામ કોઈ પક્ષની તરફેણ કે વિરોધ કરવાનું નથી. મીડિયાનું કામ જનતાના પ્રશ્નોને વાચા આપવાનું છે. જનતાના પ્રશ્નોને સરકાર સુધી પોહચાડવાનું છે. સત્તા કોંગ્રેસની હોય કે ભાજપની, શહેરની ગંદકી, રસ્તા, ગટર, પાણી કે અન્ય જાહેર પ્રશ્નો અંગે મીડિયાએ સમયાંતરે બંને પક્ષોની જવાબદારી નિર્ભયપણે ઉઠાવી છે. અને આગળ પણ એ જ નિષ્પક્ષતા સાથે કામગીરી કરશે. શહેર ગંદકીથી ઘેરાયેલું હોય ત્યારે ચર્ચાનો વિષય મીડિયા નહીં, પરંતુ ગંદકી દૂર કરવાની જવાબદારી હોવી જોઈએ. સોશિયલ મીડિયામાં ખોટી, અધૂરી અને ભ્રામક કોમેન્ટો કરીને મૂળ મુદ્દાથી ધ્યાન ભટકાવવાને બદલે શહેરની વાસ્તવિક સમસ્યાઓ પર અવાજ ઉઠાવો. જનતાના પ્રશ્નોને વાચા આપવાનું કામ મીડિયા સતત કરશે, પરંતુ હવે સવાલ એ છે કે જવાબદાર તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સમસ્યાનો ઉકેલ લાવશે કે ચર્ચાને માત્ર કોમેન્ટોમાં જ દબાવવાનો પ્રયાસ કરશે?
કેટલાક લોકોને એવો વહેમ છે કે શહેરની ગંદકી અને જનસમસ્યાઓનો અરીસો બતાવવાથી ખોટી, અધૂરી કે ભ્રામક કૉમેન્ટો કરીને મીડિયાને દબાવી શકાય. પરંતુ સ્પષ્ટ નોંધ રાખો—મીડિયાનું કામ સત્તા કે વ્યક્તિ નહીં, પરંતુ સત્ય અને જનહિતના પ્રશ્નો સામે લાવવાનું છે. શહેરની સમસ્યાઓ પર અવાજ ઉઠાવવાનું કામ નિર્ભય અને નિષ્પક્ષ રીતે ચાલુ રહેશે. જો કોઈ તત્વો ભ્રામક માહિતી ફેલાવવાનો અથવા વ્યક્તિગત આક્ષેપો કરીને ચર્ચાને મૂળ મુદ્દાથી ભટકાવવાનો પ્રયાસ કરશે, તો તેના અંગે તથ્યાધારિત અહેવાલ અને યોગ્ય જવાબ સાથે મુદ્દો જનતા સમક્ષ રજૂ કરવામાં આવશે. જનતાના પ્રશ્નો દબાશે નહીં, સત્યના આધાર પર જ રજૂ થતા રહેશે. મીડિયાને સવાલોના નિશાન પર રાખવાથી શહેરની એક પણ સમસ્યાનો ઉકેલ આવવાનો નથી. જો ખરેખર આમોદની ગંદકી, તૂટેલા રસ્તા, ખુલ્લી ગટરો અને અન્ય જનસમસ્યાઓની ચિંતા હોય, તો સવાલ સત્તામાં બેઠેલા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને જવાબદાર અધિકારીઓને પૂછો. જનતાના ટેક્સના પૈસાથી ચાલતું તંત્ર જવાબ આપવા અને કામ કરવા માટે જવાબદાર છે, મીડિયા નહીં. શહેરની વાસ્તવિક સમસ્યાઓથી ધ્યાન ભટકાવવાને બદલે જવાબદારો પાસે હિસાબ માંગશો, ત્યારે જ સમાધાન તરફ નક્કર પગલાં જોવા મળશે.
આ સમગ્ર વિવાદનો સાચો અંત સોશિયલ મીડિયાની કૉમેન્ટોમાં નથી, પરંતુ શહેરમાંથી ગંદકી દૂર કરવામાં છે. વિપક્ષ જો ખરેખર જનતાના પ્રશ્નો ઉઠાવે છે, તો માત્ર આક્ષેપો નહીં પરંતુ તથ્યો સાથે જવાબદારીપૂર્વક સવાલ પૂછે અને ઉકેલ માટે પણ દબાણ કરે. તો બીજી તરફ સત્તામાં બેઠેલા ચૂંટાયેલા જન-પ્રતિનિધિઓ અને અધિકારીઓએ ટીકા પર રોષ વ્યક્ત કરવાની જગ્યાએ તેને જનતાના અસંતોષ તરીકે સ્વીકારી તાત્કાલિક મેદાનમાં ઉતરી સફાઈ, કચરાના નિકાલ અને સ્વચ્છતા માટે કાયમી વ્યવસ્થા ઉભી કરવી જોઈએ. જે લોકો મૂળ સમસ્યાને છોડીને ખોટી, અધૂરી અથવા ભ્રામક કૉમેન્ટો કરીને ચર્ચાને ભટકાવવાનો પ્રયાસ કરે છે, તેમણે પણ સમજવું જોઈએ કે કૉમેન્ટોથી ગંદકી દૂર થતી નથી. મતભેદ હોઈ શકે, પરંતુ ચર્ચા તથ્યો અને શહેરના હિત પર થવી જોઈએ. આખરે જનતાને રાજકીય દલીલો નહીં, પરંતુ ચોખ્ખું, સ્વચ્છ અને વ્યવસ્થિત આમોદ જોઈએ. અને હવે જવાબદારો પાસેથી કામ અને હિસાબ બંને માંગવાનો સમય આવી ગયો છે.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023