વાગરા નગરના લાહોરી ગોડાઉન ખાતે આવેલ ખાનકાહે કાદરિયા ચિશ્તિયા સાબીરિયામાં આજે શુક્રવારના રોજ એક આધ્યાત્મિક અને ભાવુક માહોલ સર્જાયો હતો. હઝરત સૈયદ અબ્દુલ કાદિર કાદરિયા બાવાના ગાદી નશીન સૈયદ કાદરી બાવા પવિત્ર જિયારત માટે બગદાદ શરીફ, નજફ અને કરબલાની 12 દિવસીય ધાર્મિક યાત્રાએ જવા માટે રવાના થયા હતા. આ પવિત્ર સફરને લઈને અકીડતમંદોમાં આનંદ અને શ્રદ્ધાનો માહોલ જોવા મળ્યો હતો. રવાના થતાં પહેલાં ખાનકાહ ખાતે મોટી સંખ્યામાં અકીડતમંદો ઉમટી પડ્યા હતા. સૌએ સૈયદ કાદરી બાવાને ફૂલહાર પહેરાવી, દુઆઓ સાથે શુભેચ્છાઓ પાઠવી અને સલામ કરી ભાવભીની વિદાય આપી હતી. સમગ્ર વાતાવરણમાં ઇબાદત, પ્રેમ અને આધ્યાત્મિક લાગણીઓનો અદભુત સંગમ જોવા મળ્યો હતો.
મળતી માહિતી મુજબ સૈયદ કાદરી બાવા આવતી કાલે સવારે ફ્લાઈટ મારફતે બગદાદ શરીફ પહોંચશે. તેઓ પવિત્ર નજફ અને કરબલાની જિયારત કર્યા બાદ બગદાદ શરીફમાં યોજાનારી 11મી શરીફના મુબારક અવસરે ગૌસે આઝમ હઝરત શેખ અબ્દુલ કાદિર જીલાની (રહ.)ની બારગાહમાં હાજરી આપી ખાસ દુઆ અને ઇબાદતમાં જોડાશે. આ પવિત્ર જિયારતમાં સૈયદ કાદરી બાવાની સાથે સૈયદ ફરીદ બાવા (ચાંચવેલ) તેમજ વાગરાથી રાજ અમરસંગ કાસમ પણ રવાના થયા છે. ત્રણેય શ્રદ્ધાપૂર્વક પવિત્ર મુકામોની જિયારત કરીને સમગ્ર ઉમ્મત અને દેશ-સમાજની સુખ-શાંતિ માટે દુઆ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ પવિત્ર યાત્રા કુલ 12 દિવસ ચાલશે અને 1 ઓક્ટોબરે સૈયદ કાદરી બાવા વતન વાગરા ખાતે પરત ફરશે. તેમની જિયારત સફળતાપૂર્વક પૂર્ણ થાય અને દુઆઓ કબૂલ થાય તેવી પ્રાર્થના સાથે વાગરા પંથકના અકીડતમંદોએ તેમને પ્રેમભરી વિદાય આપી હતી.

Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com