Skip to main content

Geo Gujarat News

ભરૂચ પોલીટેકનિક કેમ્પસમાં મોતનો ખતરો? જર્જરિત બિલ્ડિંગ સામે AAPનો હલ્લાબોલ, વિદ્યાર્થીઓની સુરક્ષા પર ઉઠ્યા સવાલ..

ભરૂચના પોલીટેકનિક કમ્પાઉન્ડમાં આવેલી રાજપીપળા પોલીટેકનિકની બિલ્ડિંગ અત્યંત જર્જરિત હાલતમાં પહોંચી જતાં વિદ્યાર્થીઓના જીવ પર જોખમ ઊભું થયું હોવાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટી દ્વારા તંત્ર સમક્ષ ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. વર્ષો જૂની અને ખખડધજ બની ગયેલી બિલ્ડિંગમાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવો એ ગંભીર બેદરકારી હોવાનું જણાવાયું છે. આમ આદમી પાર્ટીના આગેવાનોનું કહેવું છે કે બિલ્ડિંગની દિવાલોમાં તિરાડો, છતમાંથી ખંડેર જેવા ભાગો તૂટવાનો ભય અને વરસાદી મોસમમાં વધતું જોખમ વિદ્યાર્થીઓ અને સ્ટાફ માટે ચિંતાજનક છે.કોઈ મોટી દુર્ઘટના બને તેની રાહ જોવાને બદલે તાત્કાલિક પગલાં ભરવાની માંગ ઉઠાવવામાં આવી છે. પાર્ટીએ સરકાર અને સંબંધિત વિભાગને કડક શબ્દોમાં ચેતવણી આપતાં જણાવ્યું કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે કોઈપણ પ્રકારનું સમાધાન સ્વીકાર્ય નથી.જો સમયસર નવી બિલ્ડિંગ અથવા જરૂરી સમારકામ નહીં થાય તો આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે. શિક્ષણ વિભાગે તાત્કાલિક બિલ્ડિંગનું ટેક્નિકલ સર્વે કરાવી જર્જરિત માળખાને ઉપયોગમાંથી બહાર કરવું જોઈએ અને વિદ્યાર્થીઓને સુરક્ષિત ઇમારતમાં અભ્યાસની વ્યવસ્થા કરવી જોઈએ. વિદ્યાર્થીઓની સુરક્ષા કોઈ કાગળ પરનો મુદ્દો નહીં, પરંતુ સરકારની પ્રથમ જવાબદારી છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!