Skip to main content

Geo Gujarat News

ભરૂચ: દયાદરાના હાઈસ્કૂલના ઇન્ચાર્જ પ્રિન્સિપાલને 21 દિવસ ડિજિટલ અરેસ્ટ કરી ડરાવી-ધમકાવી 6 લાખની ઠગાઈ!

ભરૂચ જિલ્લામાં સાયબર ગુનેગારોનો આતંક હવે શિક્ષણજગત સુધી પહોંચી ગયો છે. ભરૂચ તાલુકાના દયાદરા ગામની હાઇસ્કૂલના ઇન્ચાર્જ પ્રિન્સિપાલને સાયબર માફિયાઓએ 21 દિવસ સુધી ડર, ધમકી અને ખોટા સરકારી અધિકારીઓના નામે માનસિક રીતે કેદ રાખી આખરે 6 લાખ પડાવી લીધાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. સમગ્ર ઘટનાએ જિલ્લામાં ભારે ચકચાર મચાવી છે. મળતી માહિતી મુજબ, નબીપુર ગામની ગરીબ નવાઝ સોસાયટીમાં રહેતા અને દયાદરા હાઇસ્કૂલમાં ફરજ બજાવતા 54 વર્ષીય ઇલ્યાસભાઈ પટેલને 11 ઓગસ્ટે અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનાર મહિલાએ પોતાને TRAIની અધિકારી નેહા અગ્રવાલ તરીકે ઓળખાવી અને તેમના આધાર કાર્ડ પરથી લેવાયેલા સિમનો ઉપયોગ ગેરકાયદે પ્રવૃત્તિમાં થયો હોવાનું કહી દિલ્હીના બારાખંભા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયાનું કહી તેમને ગભરાવી દીધા હતા. ત્યારબાદ ઠગોએ વોટ્સએપ વીડિયો કોલ મારફતે પોતાને દિલ્હી પોલીસના IPS અધિકારી, CBI ટીમ અને અન્ય કેન્દ્રીય એજન્સીના અધિકારીઓ તરીકે રજૂ કર્યા. મની લોન્ડરિંગના કરોડોના કેસમાં ધરપકડ થશે એવી ધમકી આપી પ્રિન્સિપાલને સતત વીડિયો કોલ પર રાખ્યા અને દર કલાકે I AM SAFE લખીને મેસેજ મોકલવા મજબૂર કર્યા. 21 દિવસ સુધી તેઓ માનસિક દબાણ હેઠળ રહ્યા હતા.ઠગોએ વિશ્વાસમાં લઈને ઇલ્યાસભાઈ પાસે 6.08 લાખની ગોલ્ડ લોન લેવડાવી. ત્યારબાદ RBIના નામે નાણાંની તપાસ થવાની વાત કહી રાજસ્થાન મરુધરા ગ્રામિણ બેંકના ખાતામાં RTGS મારફતે 6 લાખ ટ્રાન્સફર કરાવી દીધા. એટલું જ નહીં, RBIના ખોટા સહી-સિક્કાવાળું લેટરપેડ પણ વોટ્સએપ પર મોકલી સમગ્ર કાવતરાને અસલી હોવાનું દેખાડવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે 31 ઓગસ્ટે ઇલ્યાસભાઈએ અખબારમાં ડિજિટલ અરેસ્ટ દ્વારા કરોડોની ઠગાઈના સમાચાર વાંચ્યા. ત્યારબાદ તેમને પોતાની સાથે પણ આવી જ છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો. તેમણે તરત જ 1930 સાયબર હેલ્પલાઇન પર સંપર્ક કરી ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી સમગ્ર રેકેટ સુધી પહોંચવા તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે કોઈ પણ સરકારી એજન્સી ફોન કે વીડિયો કોલ દ્વારા ડિજિટલ અરેસ્ટ કરતી નથી. આવી ધમકીઓ મળે તો ગભરાયા વગર તરત 1930 હેલ્પલાઇન અથવા નજીકના સાયબર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો.

 

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!