કરજણના જૂનાબજાર વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારી અને ગંભીર ઘટના સામે આવી છે. મિયાગામ-ડભોઈ રેલવે લાઈન પાસે રમી રહેલા બાળકોમાંથી એક બાળક ઊભેલી રેલવે બોગી ઉપર ચડી જતાં તેને હાઈટેન્શન વાયરનો ભારે કરંટ લાગ્યો હતો. વીજઆંચકાના તીવ્ર ઝાટકાને કારણે બાળક બોગી પરથી સીધો જમીન પર પટકાયો હતો.
આ ભયાનક અકસ્માત જોઈને તેની સાથે આવેલો બીજો બાળક ભયભીત થઈને સ્થળ પરથી ભાગી છૂટ્યો હતો. કરંટ લાગવાના કારણે જમીન પર પછડાવાથી બાળકના શરીરનો પાછળનો ભાગ ગંભીર રીતે દાઝી ગયો હતો. સદનસીબે સ્થાનિક રહીશોની નજર બાળકના તરફ જતાં ત્વરિત ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી.
ઘટનાસ્થળે પહોંચેલી ૧૦૮ની ટીમે ઈજાગ્રસ્ત અર્પિત શર્મા નામના બાળકને તાત્કાલિક કરજણ સરકારી હોસ્પિટલ ખસેડ્યો હતો. જોકે, બાળકની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રાથમિક સારવાર બાદ વધુ સ્પેશિયલ સારવાર માટે તેને વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યો છે. રેલવે ટ્રેક અને બોગીઓ પાસે કોઈ પણ જાતની સુરક્ષા વગર બાળકો પહોંચી જાય છે, તે રેલવે તંત્રની ઘોર બેદરકારી અને સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલો ઊભા કરે છે. સમયસર લોકોની નજર પડી જતાં બાળકની જિંદગી બચી ગઈ છે, પરંતુ આ સમગ્ર અકસ્માત અંગે રેલવે પોલીસ કે સ્થાનિક તંત્ર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન કે સ્પષ્ટતા કરવામાં આવી નથી. આવા જોખમી સ્થળો પર તંત્ર દ્વારા કડક સુરક્ષા પ્રબંધ કરવામાં આવે તેવી સ્થાનિકોમાં ઉગ્ર માંગ ઉઠી રહી છે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com