ચોમાસાની ઋતુ આખરી ઓપ લઈ રહી છે ત્યારે અંકલેશ્વરના આકાશ અને વાતાવરણમાં આજે પ્રભાતે અચાનક અનોખો મિજાજ જોવા મળ્યો હતો. સૂર્યોદય પહેલાં જ સમગ્ર ઔદ્યોગિક નગરી અને તેના ગ્રામ્ય વિસ્તારો ગાઢ બાષ્પ અને ધુમ્મસની ધુંધળી ઓઢણીમાં લપેટાઈ ગયા હતા. માર્ગો, સોસાયટીઓ અને પથરાયેલા ખુલ્લા મેદાનો પર ધુમ્મસના જાડા થર પથરાઈ જતાં દ્રશ્યતા નહિવત જેવી થઈ ગઈ હતી. પરિણામે, નેશનલ હાઈવે તેમજ શહરી રસ્તાઓ પરથી પસાર થતા વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. અકસ્માત ટાળવા માટે ચાલકોએ દિવસના અજવાળામાં પણ વાહનોની હેડલાઈટો ચાલુ રાખીને ધીમી ગતિએ આગળ વધવાની ફરજ પડી હતી.
જોકે, આ ધુંધળા વાતાવરણે શહેરના વાતાવરણમાં એક અનોખી આહલાદકતા અને તાજગી ભેળવી દીધી હતી. વહેલી સવારે ગુલાબી ઠંડક અને ચારેય તરફ પથરાયેલી સફેદ ધૂંધ વચ્ચે અંકલેશ્વરે ક્ષણભર માટે કોઈ પહાડી પ્રદેશ (હિલ સ્ટેશન) જેવું રૂપ ધારણ કરી લીધું હતું.
મોર્નિંગ વોક માટે નીકળેલા નગરજનો તેમજ સ્થાનિકો માટે આ રમણીય અને મોહક દ્રશ્યો ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. મોસમના આ અણધાર્યા પલટાએ લોકોને ચોમાસા અને શિયાળાના સંધિકાળનો એક યાદગાર અને અનોખો રોમાંચક અનુભવ કરાવ્યો હતો.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com