વલ્લી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત V.C.T. મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ભરૂચના NSS એકમ દ્વારા શહેરની ઐતિહાસિક ધરોહર સમાન રાયચંદ દીપચંદ લાઇબ્રેરી ખાતે સ્વચ્છતા અભિયાન અને જાહેર વાંચન જાગૃતિ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
કોલેજના મેનેજિંગ ટ્રસ્ટી કાઝી નુસરત જહા મૅડમ તથા ઇન્ચાર્જ આચાર્ય ડૉ. હેમાંગીનીબેન જાદવના માર્ગદર્શન હેઠળ તેમજ NSS પ્રોગ્રામ ઓફિસર પ્રો. દર્શિકા ચૌધરીના સંકલનથી યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા પ્રત્યે સામાજિક જવાબદારી કેળવવી, જાહેર સ્થળોની જાળવણી કરવી અને વાંચન સંસ્કૃતિને પુનઃજીવિત કરવાનો હતો.
ઈ.સ. ૧૮૫૮માં સ્થાપિત અને ભરૂચના શૈક્ષણિક-સાંસ્કૃતિક વિકાસમાં પ્રમુખ પ્રદાન આપનાર રાયચંદ દીપચંદ લાઇબ્રેરીના પરિસરમાં NSSના આશરે ૩૦ જેટલા ઉત્સાહી સ્વયંસેવકોએ શ્રમદાન કરી સ્વચ્છતા ઝુંબેશ ચલાવી હતી. કાર્યક્રમની શરૂઆતમાં જનરલ સેક્રેટરી આફિયા અને સમરીન દ્વારા લાઇબ્રેરિયન કમલાબેનનું તેમજ NSS વિદ્યાર્થી કો-ઓર્ડિનેટર દ્વારા કવરેજ ટીમનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત પ્રો. કાશ્મીરાબેન ચૌધરી અને ડૉ. ગર્વિષ્ઠાબેન નાયકે વિદ્યાર્થીઓને લાઇબ્રેરીમાં ઉપલબ્ધ દુર્લભ ગ્રંથો, વાંચનનું મહત્વ અને વ્યક્તિત્વ વિકાસ અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સૌને સ્વચ્છતા પ્રત્યે સતત જાગૃત રહેવા અને પોતાના પરિસરને સુંદર રાખવા માટે સ્વચ્છતા અંગેના શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા. ત્યારબાદ વિદ્યાર્થીઓએ સ્વચ્છ પરિસર-સમૃદ્ધ સમાજ અને વાંચન એ જ્ઞાનની ચાવી જેવા ઉમદા સંદેશાઓ સાથે સમાજમાં જાગૃતિ ફેલાવવાનો દ્રઢ સંકલ્પ લીધો હતો.
આ સમગ્ર આયોજનને સફળ બનાવવા બદલ આભારવિધિ કરતા જનરલ સેક્રેટરી આફિયાએ કાર્યક્રમની પરવાનગી અને ઉમદા સહકાર આપવા બદલ રાયચંદ દીપચંદ લાઇબ્રેરીના સંચાલક મંડળના પ્રમુખશ્રી ગૌતમ કે. ચોકસી સાહેબ તથા સમગ્ર અધિકારીગણનો વલ્લી ચેરિટેબલ ટ્રસ્ટ વતી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તમામ અધ્યાપકો, સ્વયંસેવકો અને મીડિયા ટીમના સહયોગથી આ જાગૃતિ કાર્યક્રમ અત્યંત ઉત્સાહસભર વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com