Skip to main content

Geo Gujarat News

આમોદમાં ભવ્ય ગણેશ વિસર્જન: ડી.જે.ના તાલે ઝૂમ્યા ભક્તો, ચુસ્ત પોલીસ બંદોબસ્ત રહ્યો તૈનાત

આમોદ નગરમાં ભાદરવા સુદ દશમના પાવન અવસરે ગણપતિ બાપા મોરિયાના ગગનભેદી નાદ અને હર્ષોલ્લાસ સાથે શ્રીજીની ભવ્ય અને દબદબાભેર વિસર્જન શોભાયાત્રા નીકળી હતી. પ્રાચીન ગણપતિ મંદિરે આરતી બાદ પ્રારંભ થયેલી આ યાત્રામાં ડી.જે.ના તાલે વાગતા ભક્તિગીતો, દેશભક્તિ ગીતો અને પરંપરાગત રાસ-ગરબા પર યુવાનો મનમૂકીને ઝૂમી ઉઠ્યા હતા.હનુમાન ચાલીસા ગ્રુપ દ્વારા દરેક ટ્રેક્ટર પર ભગવો ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો. નગરપાલિકા ખાતે પહોંચતા કારોબારી અધ્યક્ષ,અધિકારી રાકેશ ઠાકોર અને ધારાસભ્ય ડી.કે. સ્વામી સહિતના અગ્રણીઓએ બાપાને ફૂલહાર પહેરાવી સ્વાગત કર્યું હતું.પોલીસ સ્ટેશન ખાતે વર્ષોની પરંપરાગત પ્રથા મુજબ પોલીસ જવાનો દ્વારા બાપાને ગાર્ડ ઓફ ઓનર આપી સલામી આપવામાં આવી હતી. સમગ્ર નગરના રૂટ પર સેવાભાવીઓ દ્વારા ઠંડા પાણી અને છાસની સેવાયે વ્યવસ્થાઓ કરાઈ હતી. પાલિકા દ્વારા મોટા તળાવ ખાતે ક્રેઈન, તરાપા અને લાઈટિંગની ઉત્તમ વ્યવસ્થાઓ વચ્ચે શ્રીજી ભક્તોએ ભારે હૈયે “આવતા વર્ષે વહેલા આવજો”ના નારા સાથે મોડી રાત્રે બાપાને અલવિદા કહ્યું હતું.આ વિશાળ ધાર્મિક મહોત્સવ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે આમોદ પોલીસે અત્યંત ચુસ્ત અને ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો હતો. વિસર્જન યાત્રાને અનુલક્ષીને 1 ડી.વાય.એસ.પી., 2 પોલીસ ઈન્સ્પેક્ટર અને 6 પી.એસ.આઈ. સહિત કુલ 321 જેટલા જવાનોનો પોલીસ કાફલો નગરમાં ખડેપહેરે તૈનાત રહ્યો હતો. કોઈપણ અનિચ્છનીય બનાવને રોકવા માટે પોલીસે આધુનિક ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કર્યો હતો; જેમાં કંટ્રોલ રૂમથી સીસીટીવી કેમેરા દ્વારા સમગ્ર રૂટ પર સતત બાજ નજર રાખવામાં આવી હતી. આ ઉપરાંત, 5 બોડીવોર્ન કેમેરા અને 18 જેટલા વ્યૂહાત્મક ધાબા પોઈન્ટ્સ પર પોલીસ કર્મચારીઓની ખાસ નિમણૂક કરીને સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષાનું અભેદ્ય કવચ પૂરું પાડવામાં આવ્યું હતું, જેના પરિણામે આખો ઉત્સવ અશાંતિ વગર શાંતિપૂર્ણ અને સુરક્ષિત માહોલમાં સંપન્ન થયો હતો.

Yasin Diwan
Author: Yasin Diwan

સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!