આમોદ સ્થિત ‘બચ્ચો કા ઘર’ અંગ્રેજી મધ્યમ શાળાના કેમ્પસમાં ગ્રામીણ નાગરિકોના ઉત્તમ સ્વાસ્થ્ય અને કલ્યાણના ઉદ્દેશ્યથી શરૂ થયેલ ૮ દિવસીય નિઃશુલ્ક થેરાપી કેમ્પ ગ્રામજનો માટે વરદાનરૂપ સાબિત થઈ રહ્યો છે. તા. ૨૦ જૂનથી ૨૭ જૂન ૨૦૨૬ સુધી યોજાઈ રહેલા આ વિશેષ કેમ્પમાં ભરૂચના અગ્રણી થેરાપી નિષ્ણાત પરેશભાઈ સોનીના માર્ગદર્શન હેઠળ અને સંસ્થાના ટ્રસ્ટી બસીર રાણા તથા તેમની સમર્પિત ટીમના સહયોગથી અત્યાધુનિક ઉપકરણો દ્વારા લોકોની બીમારીઓ દૂર કરવાના સાર્થક પ્રયાસો થઈ રહ્યા છે.
કેમ્પના શરૂઆતના દિવસોથી જ લોકપ્રિયતા વધતી ગઈ છે, જ્યાં ત્રીજા દિવસે જ રેકોર્ડબ્રેક અંદાજે ૨૫૦ જેટલા નાગરિકોએ હાજરી આપી આધુનિક થેરાપીનો લાભ લીધો હતો. આ કેમ્પનું મુખ્ય આકર્ષણ માનવ શરીરના રક્ત પરિભ્રમણ (બ્લડ સર્ક્યુલેશન) ને સુધારતું અત્યાધુનિક ઈ.એમ.એસ. (EMS) અને ટેન્સ (TENS) ટેક્નોલોજી પર આધારિત મેડિકલ ગ્રેડ ‘બી’ ડિવાઈસ છે, જે માત્ર ૩૦ મિનિટમાં ૬ કિલોમીટર ચાલવા જેટલી કસરત સમાન પરિણામ આપે છે.
કેમ્પમાં થેરાપી લેનાર વડીલો અને દર્દીઓએ પોતાના અનુભવ શેર કરતા જણાવ્યું હતું કે, ચેર પર બેસીને આ આધુનિક ઉપકરણો દ્વારા થેરાપી લીધા બાદ તેમને ઘૂંટણ, કમર, સાંધાના દુખાવા, નસ દબાવા તેમજ ઊંઘની અનિદ્રા જેવી અનેક જૂની તકલીફોમાં અકલ્પનીય રાહત અને શાંતિ અનુભવાઈ છે.
આમ, આમોદ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા નાગરિકોએ આ નિઃશુલ્ક સેવાઓનો ભરપૂર લાભ લઈને ભારે સંતોષ વ્યક્ત કર્યો છે, જે સાચી દિશામાં થતા માનવતાવાદી પ્રયાસો દ્વારા સમાજના છેવાડાના માનવીના જીવનમાં હકારાત્મક બદલાવ લાવવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023