Skip to main content

Geo Gujarat News

આમોદ: દેણવા ગામે ખેતરમાં ખાતર નાખતી મહિલાને વીજળીનો કરંટ લાગતા કરુણ મોત, સમગ્ર પંથકમાં શોકની લાગણી..

આમોદ તાલુકાના દેણવા ગામે ગાજવીજ અને વરસાદી માહોલ વચ્ચે હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પોતાના ખેતરમાં ખાતર નાખવાનું કામ કરી રહેલી આશરે 40 વર્ષીય કપિલાબેન વિનોદભાઈ સોલંકી પર અચાનક વીજળી પડતા તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. પળવારમાં બનેલી આ દુર્ઘટનાએ સમગ્ર ગામને શોકમાં ગરકાવ કરી દીધું હતું. ઘટના બાદ પરિવારજનો અને ગ્રામજનોએ સમય ન ગુમાવતા કપિલાબેનને ખાનગી વાહન મારફતે આમોદ હોસ્પિટલ પહોંચાડ્યા હતા. જોકે ફરજ પરના તબીબે તપાસ બાદ તેમને મૃત જાહેર કરતાં પરિવાર પર આભ તૂટી પડ્યું. હોસ્પિટલમાં મૃતકના સ્વજનોના આક્રંદથી કરુણ દૃશ્યો સર્જાયા હતા.દુર્ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં ગ્રામજનો આમોદ હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા. સમગ્ર દેણવા ગામ સહિત આસપાસના વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી અને લોકોમાં ભારે દુઃખનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાની માહિતી મળતા સ્થાનિક ધારાસભ્ય ડી. કે. સ્વામી હોસ્પિટલ પહોંચ્યા હતા.તેમણે મૃતકના પરિવારજનોને સાંત્વના પાઠવી દુઃખ વ્યક્ત કર્યું હતું તેમજ આમોદ પોલીસ ઈન્સ્પેક્ટર કરમતિયા અને તાલુકા વિકાસ અધિકારીને તાત્કાલિક હોસ્પિટલ બોલાવી જરૂરી કાયદેસરની કાર્યવાહી ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપી હતી. આ દુઃખદ બનાવે ફરી એકવાર ગાજવીજ દરમિયાન ખેતરમાં કામ કરતા ખેડૂતો અને મજૂરો માટે જીવલેણ જોખમ અંગે ચેતવણી આપી છે. દેણવા ગામમાં કપિલાબેનના અકાળ અવસાનથી સમગ્ર વિસ્તારમાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો છે.

Yasin Diwan
Author: Yasin Diwan

સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!