Skip to main content

Geo Gujarat News

આમોદ હાઇવે-64 પર હેઝાર્ડસ વેસ્ટના વાહનમાંથી દુર્ગંધયુક્ત પ્રવાહી ઢોળાતા હડકંપ, હવે GPCB રિપોર્ટ પર સૌની નજર

આમોદ નજીક નેશનલ હાઇવે નંબર-64 પર હેઝાર્ડસ વેસ્ટનું પરિવહન કરતી હોવાનું જણાવાતી GJ-16-AW-5979 નંબરની ગાડીમાંથી અત્યંત દુર્ગંધયુક્ત પ્રવાહી ઢોળાવાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચાવી છે. રસ્તા પર ફેલાયેલા આ પ્રવાહીના કારણે આસપાસથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકોને આંખો અને નાકમાં બળતરા જેવી અસર અનુભવાઈ હોવાના અહેવાલો સામે આવ્યા છે. ઘટનાએ હાઇવે પરથી જોખમી કેમિકલના પરિવહન અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે.ઘટનાની જાણ થતાં આમોદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત માહિતી મુજબ સંબંધિત વાહનને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યું છે. તો બીજી તરફ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારી કે.જી. મિસ્ત્રી પણ સ્થળ પર પહોંચી ઢોળાયેલા પ્રવાહીના સેમ્પલ એકત્ર કરી લેબોરેટરી તપાસ માટે મોકલી આપ્યા હોવાનું જણાવ્યું હતુ. મીડિયા દ્વારા સેમ્પલ અંગે પૂછપરછ કરવામાં આવતા GPCB અધિકારીએ સ્પષ્ટ જણાવ્યું કે, લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ જ પ્રવાહીનું સાચું સ્વરૂપ અને તેની સામે કાયદેસરની કાર્યવાહી અંગે નિર્ણય લેવામાં આવશે. એટલે કે હાલ પ્રવાહી ખરેખર હેઝાર્ડસ કેમિકલ વેસ્ટ હતું કે, અન્ય કોઈ પદાર્થ, તેની સત્તાવાર પુષ્ટિ હજુ બાકી છે.આ સમગ્ર ઘટનામાં હવે અનેક ગંભીર પ્રશ્નો ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે. ગાડીમાં કયો પદાર્થ ભરેલો હતો? તે ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં લઈ જવામાં આવી રહ્યો હતો? તેના પરિવહન માટે જરૂરી પરમિટ, દસ્તાવેજો અને મંજૂરીઓ હતી કે નહીં? હાઇવે પર ઢોળાયેલો પ્રવાહી અને ગાડીમાં રહેલો પદાર્થ એક જ છે કે નહીં? જો પદાર્થ ખરેખર જોખમી હેઝાર્ડસ વેસ્ટ સાબિત થાય તો તેનો કાયદેસર નિકાલ ક્યાં અને કેવી રીતે થવાનો હતો? સ્થાનિકોમાં સૌથી વધુ રોષ એ બાબતને લઈને છે કે આમોદ ચાર રસ્તા પરથી સાંજ બાદ નિયમિત રીતે હેઝાર્ડસ વેસ્ટના વાહનો પસાર થતા હોવાના આક્ષેપો લાંબા સમયથી થઈ રહ્યા છે. હવે લોકો માંગ કરી રહ્યા છે કે આવા તમામ વાહનોની સઘન ચકાસણી કરવામાં આવે, તેમના દસ્તાવેજો, પરમિટ, રૂટ પરમિશન અને કાયદેસર નિકાલની સંપૂર્ણ તપાસ થાય અને નિયમભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે. સમગ્ર મામલે હાલ કોઈ કંપની, વાહન માલિક અથવા સંસ્થા સામે અંતિમ નિષ્કર્ષ કાઢવો યોગ્ય નથી. પરંતુ GPCBની વૈજ્ઞાનિક તપાસ, લેબોરેટરી રિપોર્ટ અને પોલીસ દ્વારા દસ્તાવેજોની ચકાસણી હવે આ કેસનો સૌથી મહત્વનો આધાર બનશે. હવે સૌની નજર એક જ પ્રશ્ન પર છે. હાઇવે પર ઢોળાયેલું આ દુર્ગંધયુક્ત પ્રવાહી આખરે શું હતું અને તેની પાછળ જવાબદાર કોણ?એક પછી એક કેમિકલ વેસ્ટ લીકેજની ઘટનાઓથી સવાલોનો વરસાદ, આખરે જવાબદાર કોણ?અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં પણ આમોદ ડેપોથી શમા ચોકડી સુધીના જાહેર માર્ગ પર દહેજની મેહાલી કંપનીમાંથી કેમિકલ વેસ્ટ લઈ જતા એક વાહનમાંથી દુર્ગંધયુક્ત પ્રવાહી ઢોળાતા સ્થાનિક લોકો ભારે હાલાકીનો સામનો કરવા મજબૂર બન્યા હતા. રસ્તા પર ફેલાયેલી દુર્ગંધ અને બળતરાના કારણે રાહદારીઓ તેમજ આસપાસના રહેવાસીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. હવે ટૂંકા સમયગાળામાં આમોદ હાઇવે-64 પર આવી બીજી ઘટના સામે આવતા સમગ્ર તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થયા છે. વારંવાર જાહેર માર્ગો પર હેઝાર્ડસ વેસ્ટ ઢોળાવાની ઘટનાઓ માત્ર બેદરકારી નથી, પરંતુ લોકોના આરોગ્ય અને પર્યાવરણ સાથેનો ગંભીર ખેલ હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે. એક ઘટના બાદ પણ જો સઘન તપાસ અને કડક કાર્યવાહી થઈ હોત, તો શું બીજી ઘટના બનતી? હવે લોકોની માંગ છે કે હેઝાર્ડસ વેસ્ટનું પરિવહન કરતા તમામ વાહનોની તાત્કાલિક ચકાસણી કરી નિયમોનો ભંગ કરનાર સામે કાયદેસર અને કડક કાર્યવાહી કરવામાં આવે.

Yasin Diwan
Author: Yasin Diwan

સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!