વાગરા તાલુકામાં એક અત્યંત કરૂણ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. દીર્ઘકાલીન બીમારીની યાતનાથી કંટાળીને એક આધેડે વિષપાન કરી તળાવમાં ઝંપલાવી પોતાની જીવનલીલા સંકેલી લીધી છે. આ સનસનાટીભરી ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. મળતી કડક વિગતો અનુસાર, વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના કુરલ ગામે પોષ્ટ ઓફિસ વાળા ફળિયામાં રહેતા ૫૧ વર્ષીય નગીનભાઈ પરસોત્તમભાઈ વણકર છેલ્લા ૧૦ વર્ષથી ગંભીર માનસિક બીમારીથી પીડાતા હતા.
આ અસહ્ય બીમારીથી કંટાળીને તેઓ વાગરા તાલુકાના બદલપુરા ગામે આવેલ બુદ્ધેશ્વર મહાદેવના મંદિર પાસેના તળાવ પાસે પહોંચ્યા હતા. જ્યાં તેમણે પ્રથમ જંતુનાશક દવા ગટગટાવી લીધી હતી. અને ત્યારબાદ તળાવના ઊંડા પાણીમાં જંપલાવ્યું હતું. તળાવના પાણીમાં ડૂબી જવાથી તેમનું સ્થળ પર જ કરૂણ મોત નીપજ્યું હતું. આ ઘટના અંગે અંજલીબેન ખુશવર્ધનભાઈ જીવણભાઈ મારવાડી દ્વારા વાગરા પોલીસ મથકે જાણ કરવામાં આવતા, વાગરા પોલીસે અકસ્માતે મોત હેઠળ ગુનો નોંધી ઘટનાસ્થળે પહોંચી આગળની કાયદેસરની કાર્યવાહી અને સઘન તપાસ હાથ ધરી છે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com