ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં છેલ્લા અનેક દિવસોથી ચાલી રહેલા ગણેશોત્સવની ભવ્ય પૂર્ણાહુતિ ગણપતિ વિસર્જનના પાવન અવસરે શ્રદ્ધા, ભક્તિ અને ઉત્સાહભર્યા માહોલમાં થઈ હતી. તાલુકાભરના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તોએ વિધ્નહર્તા દેવ શ્રી ગણેશજીને ભાવભીની વિદાય આપી અને સમગ્ર વાગરા ભક્તિમય રંગમાં રંગાઈ ઉઠ્યું હતું. બપોર બાદ વાગરાના મુખ્ય માર્ગો પર બાપ્પાની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. ઢોલ-નગારાના ગાજતા તાલ, ગુલાલની રંગબેરંગી ઉડાડ અને ગણપતિ બાપ્પા મોરિયા, અગલે બસ ફિર જલ્દી આના જેવા ગુંજતા જયઘોષ વચ્ચે યુવાનો, મહિલાઓ, બાળકો અને વડીલો સહિત હજારો શ્રદ્ધાળુઓ ઉત્સાહભેર જોડાયા હતા. શોભાયાત્રાએ સમગ્ર નગરમાં અનોખો ધાર્મિક અને ઉત્સવી માહોલ સર્જ્યો હતો.
વિવિધ માર્ગો પરથી પસાર થયેલી શોભાયાત્રા નિર્ધારિત સમયે વાગરાના તળાવ ખાતે પહોંચી હતી, જ્યાં વૈદિક મંત્રોચ્ચાર અને ધાર્મિક વિધિ સાથે શ્રીજીની પ્રતિમાઓનું વિધિવત વિસર્જન કરવામાં આવ્યું હતું. ભક્તોએ ભાવવિભોર બની બાપ્પાને આગામી વર્ષે વહેલા પધારવાની પ્રાર્થના સાથે વિદાય આપી હતી. ગણપતિ વિસર્જન દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વાગરા પોલીસ દ્વારા પ્રશંસનીય આયોજન કરવામાં આવ્યું હતું.
બપોરથી જ પોલીસ અધિકારીઓ અને જવાનો ખડે પગે તૈનાત રહ્યા હતા. વરઘોડાના સમગ્ર રૂટ પર ટ્રાફિક નિયંત્રણ, ભીડ વ્યવસ્થાપન અને સંવેદનશીલ સ્થળોએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાતા સમગ્ર કાર્યક્રમ કોઈ પણ અનિચ્છનીય ઘટના વિના શાંતિપૂર્ણ અને સુરક્ષિત વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. પોલીસની સતર્ક કામગીરીને લઈને નાગરિકોએ પણ પોલીસ પ્રશાસનની ખુલ્લા દિલે પ્રશંસા કરી અને આભાર વ્યક્ત કર્યો હતો.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com