આમોદ સ્થિત ‘બચ્ચો કા ઘર’ અંગ્રેજી મધ્યમ શાળાના કેમ્પસ ખાતે ગ્રામીણ નાગરિકોના ઉત્તમ સ્વાસ્થ્ય અને સર્વાંગી કલ્યાણના ઉદ્દેશ્યથી યોજાયેલ ૮-દિવસીય મહા નિઃશુલ્ક થેરાપી કેમ્પનું અભૂતપૂર્વ અને ભવ્ય લોકપ્રતિસાદ સાથે સફળતાપૂર્વક સમાપન થયું છે. ભરૂચના અગ્રણી થેરાપી નિષ્ણાત પરેશભાઈ સોનીના કુશળ માર્ગદર્શન હેઠળ અને ‘બચ્ચો કા ઘર’ સંસ્થાના ટ્રસ્ટી મૌલાના બસીરભાઈ રાણા તથા તેમની સમર્પિત ટીમ અને સહયોગીઓના સક્રિય સહિયારા પ્રયાસોથી યોજાયેલો આ કેમ્પ સમગ્ર ભરૂચ જિલ્લાનો ૩૦મો સફળ કેમ્પ બની રહ્યો છે.
સામાન્ય રીતે અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં યોજાતા કેમ્પોમાં પ્રતિદિન ૨૦૦ થી ૨૫૦ દર્દીઓ આવતા હોય છે, પરંતુ આમોદ ખાતે ગ્રામજનોનો અદ્ભુત અને ઉત્સાહવર્ધક પ્રતિસાદ જોવા મળ્યો હતો. આ કેમ્પ દરમિયાન કુલ ૬૭૫ થી વધુ લોકોનું રજિસ્ટ્રેશન નોંધાયું હતું અને પ્રતિદિન સરેરાશ ૩૨૫ થી ૪૦૦ જેટલા દર્દીઓએ હાજરી આપીને આ થેરાપીનો મહત્તમ લાભ લીધો હતો. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ૨૧ મહિનાથી સતત ચાલતી આ માનવસેવા યાત્રા અંતર્ગત સમગ્ર જિલ્લાના ૩૦ કેમ્પોના માધ્યમથી અત્યાર સુધીમાં આશરે ૨૭,૦૦૦ થી વધુ લોકોને વિનામૂલ્યે થેરાપી પૂરી પાડી સ્વસ્થ બનાવવામાં આવ્યા છે.
આ કેમ્પનું મુખ્ય આકર્ષણ માનવ શરીરના અપૂર્ણ બ્લડ સર્ક્યુલેશન ને સુધારતું અત્યાધુનિક EMS અને TENS ટેક્નોલોજી પર આધારિત મેડિકલ ગ્રેડ ‘બી’ ડિવાઈસ રહ્યું હતું, જેની માત્ર ૩૦ મિનિટની થેરાપી શરીરમાં ૫ થી ૬ કિલોમીટર ચાલવા જેટલી કસરત સમાન ચમત્કારી પરિણામ આપે છે. આ ઉપકરણો દ્વારા ચેર પર બેસીને થેરાપી મેળવનારા વડીલો અને દર્દીઓએ ઘૂંટણ, કમર, સાંધા, ગરદન-ખભાના દુખાવા, નસ દબાવા, પેરાલિસિસ, અશાંત ઊંઘ તથા ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર જેવી હઠીલી શારીરિક તકલીફોમાં અકલ્પનીય રાહત અને શાંતિ અનુભવી હતી. કેમ્પના સમાપન પ્રસંગે ઉપસ્થિત દર્દીઓ અને વડીલોએ પોતાની વર્ષો જૂની તકલીફો દૂર થતાં હર્ષની લાગણી વ્યક્ત કરી હતી અને આગામી સમયમાં પણ આ કેમ્પ ૬ થી ૮ મહિના સુધી ચાલુ રહે તેવી ઈચ્છા દર્શાવી એકસુરે હાથ ઊંચા કરી તાળીઓના ગડગડાટ સાથે આયોજનને બિરદાવ્યું હતું. દર્દીઓને શારીરિક તકલીફોમાંથી મુક્તિ મળવાથી થતી ખુશી કરતાં પણ તેમને સ્વસ્થ કરવામાં નિમિત્ત બનવાનો આયોજકો અને થેરાપી ટીમને દસ ગણો વધુ આનંદ અને આત્મસંતોષ પ્રાપ્ત થયો છે. આમોદના આ સફળ સેવાકીય યજ્ઞે સાબિત કરી દીધું છે કે સાચી દિશામાં કરાતા માનવતાવાદી પ્રયાસો સમાજના છેવાડાના માનવીના જીવનમાં સ્વાસ્થ્ય અને રોજીંદી ખુશીની નવી લહેર લાવી શકે છે.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023