Skip to main content

Geo Gujarat News

વાગરા: પેટ્રોલ પંપ પર સરપંચની દાદાગીરીનો વીડિયો વાયરલ, મહિલા કર્મચારી સાથે બોલાચાલી બાદ ખુલ્લી તલવાર સાથે ધમકીનો આક્ષેપ, કર્મચારીઓ પર કાર ચઢાવવાનો પ્રયાસ

ભરૂચ જિલ્લાના દહેજ પંથકમાં જણીયાદરા ગામના સરપંચ ઇન્દરવર્ધનસિંહ પ્રવિણસિંહ રાણા ઉર્ફે અલ્પેશ સામે પેટ્રોલ પંપ પર તલવાર બતાવી આતંક મચાવ્યાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. પેટ્રોલ ભરાવવાના મુદ્દે મહિલા કર્મચારી સાથે થયેલી સામાન્ય બોલાચાલી બાદ મામલો એટલો ઉગ્ર બન્યો હોવાનો દાવો છે કે સરપંચે પોતાની કારમાંથી તલવાર કાઢી કર્મચારી તરફ ધસી જઈ ધમકી આપી હોવાના આક્ષેપો થયા છે. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં દહેજ સહિત સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ, જણીયાદરા ગામના સરપંચ પોતાની કારમાં પેટ્રોલ ભરાવવા માટે પેટ્રોલ પંપ પર પહોંચ્યા હતા. દરમિયાન પંપ પર ફરજ બજાવતી મહિલા કર્મચારીએ કારને અન્ય પોઇન્ટ પર લઈ જવા જણાવ્યું હતું. આ સામાન્ય સૂચન બાદ સરપંચ ઉશ્કેરાયા હોવાનો આક્ષેપ છે. શરૂઆતમાં થયેલી બોલાચાલી જોતજોતામાં ઉગ્ર વિવાદમાં ફેરવાઈ હતી અને ત્યારબાદ સરપંચે કથિત રીતે પોતાની કારમાંથી તલવાર કાઢી હતી. ખુલ્લી તલવાર સાથે મહિલા કર્મચારી તરફ ધસી જતાં પંપ પર હાજર અન્ય કર્મચારીઓમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો.આક્ષેપ મુજબ, કર્મચારીઓએ પોલીસને જાણ કરવાની વાત કરતાં સરપંચ વધુ ઉશ્કેરાયા હતા અને પોતાની કાર કર્મચારીઓ તરફ હંકારી તેમને કચડી નાખવાનો પ્રયાસ કર્યો હોવાનો ગંભીર દાવો કરવામાં આવી રહ્યો છે. ઘટનાની ગંભીરતા જોતા પેટ્રોલ પંપના કર્મચારીઓએ પોતાનો બચાવ કર્યો હતો. પેટ્રોલ પંપ જેવી જાહેર જગ્યાએ હથિયાર સાથે થયેલા આ કથિત હંગામાથી કર્મચારીઓની સુરક્ષા સામે પણ ગંભીર સવાલો ઊભા થયા છે. ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પોલીસે પણ સમગ્ર મામલાની તપાસ હાથ ધરી છે. દહેજ પોલીસના PI હિતેશસિંહ ઝાલા સાથે થયેલી ટેલિફોનિક વાતચીત મુજબ, સરપંચ વિરુદ્ધ રાત્રે જ કાયદેસરનો ગુનો નોંધવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, ઝપાઝપી, ગાળાગાળી, જાનથી મારી નાખવાની ધમકી, વાહન ચઢાવી દેવાનો પ્રયાસ તેમજ તલવાર જેવા હથિયાર રાખવા સહિતની બાબતોને લઈને વિવિધ કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. આરોપીને નોટિસ પાઠવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું પોલીસ તરફથી જણાવાયું છે.હવે સૌથી મોટો સવાલ એ છે કે ગામના ચૂંટાયેલા સરપંચ જેવા જાહેર પ્રતિનિધિ પાસેથી જો ખરેખર આ પ્રકારનું વર્તન થયું હોય તો જાહેર સ્થળે કાયદો હાથમાં લેવાની આ હિંમત ક્યાંથી આવી? પેટ્રોલ પંપ પર ફરજ બજાવતી મહિલા કર્મચારી સાથેનો વિવાદ હથિયાર અને વાહન સુધી પહોંચ્યો હોવાના આક્ષેપો અત્યંત ગંભીર છે. જોકે સમગ્ર મામલે પોલીસ તપાસ અને કોર્ટની પ્રક્રિયા અંતિમ હકીકત નક્કી કરશે. દરમિયાન, આ મામલે સરપંચ ઇન્દરવર્ધનસિંહ રાણાનો ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમનો ફોન સ્વિચ ઓફ મળ્યો હતો. હવે પોલીસ તપાસમાં વાયરલ વીડિયોમાં દેખાતા દૃશ્યો, સાક્ષીઓના નિવેદનો અને ઘટનાક્રમના આધારે સમગ્ર હકીકત કેટલી સ્પષ્ટ થાય છે તેના પર સૌની નજર છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!