Skip to main content

Geo Gujarat News

વાગરા: બદલપુરા-ઓછણ માર્ગ પર ખાડાઓનો કહેર, બે બાઇક સામસામે અથડાતાં 2 મહિલા સહિત 3 ઘાયલ, એકની હાલત નાજુક!

વાગરા તાલુકાના બદલપુરાથી ઓછણ જવાના માર્ગ પર બે બાઇક સામસામે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ચાંચવેલ ગામના બે મહિલા સહિત કુલ ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ મારફતે તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક વાગરા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ એક ઇજાગ્રસ્તની હાલત નાજુક જણાતાં વધુ સારવાર માટે ભરૂચ રીફર કરવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. મળતી પ્રાથમિક માહિતી મુજબ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા ત્રણેય વ્યક્તિઓ ચાંચવેલ ગામના હોવાનું જાણવા મળ્યું છે. જોકે, અકસ્માતનું ચોક્કસ કારણ સત્તાવાર તપાસ બાદ જ સ્પષ્ટ થશે. અકસ્માત બાદ માર્ગ પર થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.દહેજ-આમોદ રોડના નવીનીકરણના કામને પગલે વાહનોને ઓછણ, બદલપુરા અને ચાંચવેલ થઈ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. જેના કારણે આ માર્ગ પર ભારે વાહનોની અવરજવર નોંધપાત્ર રીતે વધી છે. ભારે વાહનોની સતત અવરજવરને કારણે માર્ગની હાલત કથળીને અત્યંત દયનીય બની હોવાના આક્ષેપો છે. માર્ગ પર ઠેર-ઠેર મોટા ખાડાઓ પડી ગયા છે, જેના કારણે વાહનચાલકો માટે જોખમ સતત વધી રહ્યું છે.સ્થાનિકોમાં સવાલ ઉઠી રહ્યો છે કે ડાયવર્ઝન રૂટ પર ભારે વાહનોનો ભાર વધારવામાં આવ્યો છે તો માર્ગની સલામતી અને મરામતની જવાબદારી કોની? ખાડાઓ અને બિસ્માર માર્ગના કારણે અકસ્માતોનું જોખમ વધતું હોવા છતાં તંત્ર દ્વારા તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગંભીર અકસ્માતોની સંભાવના નકારી શકાય તેમ નથી. હવે માર્ગની તાત્કાલિક મરામત, ખાડાઓનું પુરાણ અને વાહનચાલકોની સલામતી માટે જરૂરી વ્યવસ્થા કરવાની માંગ ઉઠી રહી છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!