ગુજરાત રાજ્યના લેન્ડ રેકર્ડ વિભાગમાં ફરજ બજાવતા વર્ગ-3ના કર્મચારીઓ અને સર્વેયર-સિનિયર સર્વેયરોની હડતાળને લઈને હવે સરકાર સમક્ષ મામલો પહોંચ્યો છે. ગારિયાધારના ધારાસભ્ય સુધીરભાઈ બી. વાઘાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી કર્મચારીઓની ગ્રેડ-પે સહિતની માંગણીઓ અંગે હકારાત્મક નિર્ણય લેવા રજૂઆત કરી છે. પત્રમાં જણાવ્યા મુજબ લેન્ડ રેકર્ડ વિભાગના વર્ગ-3ના સર્વેયર તથા સિનિયર સર્વેયર કર્મચારીઓ પોતાની ગ્રેડ-પેમાં સુધારાની માંગણી સાથે હડતાળ પર ઉતર્યા છે. આ કર્મચારીઓ દ્વારા જમીન માપણી, હદ નિર્ધારણ, જમીન રેકર્ડની જાણવણી, સિટી વિસ્તારના રેકર્ડની નિભાવણી, સરકારી માપણી, બિનખેતી માપણી, જમીન ગ્રાન્ટ માપણી, જમીન સંપાદન તેમજ જમીન સર્વે સંબંધિત અન્ય મહત્વપૂર્ણ ટેકનિકલ કામગીરી કરવામાં આવે છે. ધારાસભ્યના પત્રમાં વધુમાં જણાવાયું છે કે આ કામગીરી મહેસૂલ વિભાગ તેમજ જમીન સંબંધિત કામકાજ માટે અત્યંત મહત્વપૂર્ણ છે અને તેની સીધી અસર ખેડૂતો તથા નાગરિકો પર પડે છે. સર્વેયર અને સિનિયર સર્વેયરની કામગીરીની જટિલતા તથા ટેકનિકલ પાસાઓને ધ્યાનમાં રાખીને તેમના ગ્રેડ-પે અંગે અગાઉથી પણ રજૂઆતો કરવામાં આવી હોવાનું પત્રમાં જણાવાયું છે.
મુખ્યમંત્રી દ્વારા સર્વેયર તથા સિનિયર સર્વેયરના ગ્રેડ-પે બાબતે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હોવાનું પણ પત્રમાં ઉલ્લેખાયું છે. તો બીજી તરફ ગુજરાત રાજ્ય લેન્ડ રેકર્ડ ડિપાર્ટમેન્ટ જીઓમેટ્રિક ઓફિસર્સ એસોસિએશન દ્વારા પણ જમીન દફ્તર વિભાગના વર્ગ-3 કર્મચારીઓની હાલાકી અને તેના કારણે ઊભા થતા પ્રશ્નોના નિરાકરણ માટે રજૂઆત કરવામાં આવી છે. એસોસિએશનના જણાવ્યા મુજબ હડતાળને કારણે જમીન માપણી, જમીન રેકર્ડની કામગીરી, સિટી સર્વે સંબંધિત કામગીરી સહિતની અનેક સેવાઓ પર અસર પડી રહી છે. એસોસિએશને સરકાર સમક્ષ કર્મચારીઓની માંગણીઓ અંગે યોગ્ય નિરાકરણ લાવી હડતાળનો અંત આવે તે માટે તાત્કાલિક કાર્યવાહી કરવાની વિનંતી કરી છે. બીજી તરફ ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણીએ પણ મુખ્યમંત્રીને આ મામલે સહાનુભૂતિપૂર્વક વિચારણા કરી વહેલી તકે હકારાત્મક નિર્ણય લેવા અપીલ કરી છે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com