Skip to main content

Geo Gujarat News

વાગરા: સાયખા કેમિકલ ઝોનમાં એસિટિક એસિડનો મોટો જથ્થો ઝડપાયો, 24 હજાર લીટર એસિડ સાથે 3 વાહનો અને 3 ઇસમો કબજામાં, 39.04 લાખનો મુદ્દામાલ જપ્ત..

વાગરા પોલીસ દ્વારા સાયખા કેમિકલ ઝોન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મોટી કાર્યવાહી હાથ ધરી 24 હજાર લીટર એસિટિક એસિડ ભરેલા એક ટ્રક અને બે આઇશર ટેમ્પા સહિત ત્રણ ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે. એસિડના જથ્થા અંગે બિલ, આધાર-પુરાવા અને જરૂરી દસ્તાવેજો રજૂ કરવામાં ન આવતા પોલીસે સમગ્ર જથ્થો શંકાસ્પદ માની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહીમાં વાહનો અને એસિડ સહિત કુલ 39.04 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.પોલીસની તપાસ દરમિયાન ટ્રક નં. GJ-06-AU-9636, કિંમત રૂ.10 લાખ, આઇશર ટેમ્પા નં. GJ-16-X-7846, કિંમત રૂ.5 લાખ અને આઇશર ટેમ્પા નં. GJ-05-CW-1372, કિંમત રૂ.7 લાખ મળી કુલ રૂ.22 લાખની કિંમતના ત્રણેય વાહનો કબજે કરવામાં આવ્યા હતા. ત્રણેય વાહનોમાંથી પ્લાસ્ટિકના કુલ 120 કેરબા મળી આવ્યા હતા. એક કેરબામાં 200 લીટર મુજબ કુલ 24,000 લીટર એસિટિક એસિડનો જથ્થો હોવાનું સામે આવ્યું હતું. એસિટિક એસિડની કિંમત પ્રતિ લીટર રૂ.71 મુજબ માત્ર એસિડના જથ્થાની કિંમત રૂ.17.04 લાખ થવા જાય છે. આમ, ત્રણેય વાહનોની રૂ.22 લાખની કિંમત અને એસિડના રૂ.17.04 લાખના જથ્થા સાથે પોલીસે કુલ રૂ.39.04 લાખનો મુદ્દામાલ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 106 હેઠળ વધુ તપાસ અર્થે કબજે કર્યો છે. પોલીસ દ્વારા ઝડપાયેલા ત્રણેય ઇસમો પાસે એસિટિક એસિડના જથ્થા અંગે જરૂરી બિલ, આધાર-પુરાવા તથા અન્ય દસ્તાવેજો રજૂ કરવા જણાવાયું હતું. જોકે, પોલીસના જણાવ્યા મુજબ સંતોષકારક દસ્તાવેજો કે પુરાવા રજૂ કરવામાં આવ્યા ન હતા. જેના પગલે ત્રણેય ઇસમોની ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 35(1)(ઈ) મુજબ અટકાયત કરવામાં આવી છે.પ્રાથમિક માહિતી મુજબ, ત્રણેય વાહનો અંકલેશ્વર GIDCમાંથી સાયખા કેમિકલ ઝોનમાં આવેલી મહાદેવ પ્રાઇવેટ લિમિટેડ કંપની તરફ જઈ રહ્યા હતા. દરમિયાન સાયખા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલી વાગરા પોલીસની ટીમે શંકાસ્પદ રીતે જતાં વાહનોને અટકાવી તપાસ હાથ ધરતા એસિટિક એસિડનો આ મોટો જથ્થો મળી આવ્યો હતો. દસ્તાવેજોના અભાવે પોલીસે સમગ્ર મામલાની ગંભીરતાથી તપાસ શરૂ કરી છે અને આટલો મોટો કેમિકલ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, ક્યાં પહોંચાડવાનો હતો અને તેના પરિવહન સંબંધિત જરૂરી મંજૂરી-દસ્તાવેજો હતા કે નહીં તે સહિતના મુદ્દે તપાસનો દોર આગળ વધાર્યો છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!