ગાંધી જયંતિના અવસરે આજે વાગરા ગ્રામ પંચાયત કચેરી ખાતે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામસભામાં ગામના વિકાસ સાથે સંકળાયેલા વિવિધ પ્રશ્નો અને પાયાની સુવિધાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને રોડ-રસ્તા, પાણી, ગટર, વીજળી સહિતના પ્રશ્નોને લઈને ગ્રામજનોએ ધારદાર રજૂઆતો કરી તંત્રનું ધ્યાન દોર્યું હતું. ગ્રામસભામાં ગ્રામજનોએ ગામના વિવિધ વિસ્તારોમાં રોડ-રસ્તાની સ્થિતિ, ગટર વ્યવસ્થા, પાણીની સમસ્યા તેમજ વીજળી સહિતના પ્રશ્નો રજૂ કરી વહેલી તકે કાયમી ઉકેલ લાવવા માંગ કરી હતી. ગ્રામજનો દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નોને લઈને પંચાયત દ્વારા તમામ સમસ્યાઓના નિરાકરણ માટે જરૂરી કામગીરી હાથ ધરવાની ખાતરી આપવામાં આવી હતી.
ગ્રામસભાના અધ્યક્ષસ્થાનેથી તલાટીએ ગામમાં ચાલી રહેલા તેમજ આગામી સમયમાં હાથ ધરાનારા વિકાસના કામો અંગે માહિતી આપી હતી. આ દરમિયાન આગામી એક મહિનામાં સરદાર બાદ, જાહેર શૌચાલય તેમજ ગેસ લાઈનનું ઉદ્ઘાટન કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું. આ વિકાસકામો પૂર્ણ થતાં ગ્રામજનોને કેટલીક પાયાની સુવિધાઓમાં રાહત મળવાની આશા વ્યક્ત કરવામાં આવી હતી. પાણીની સમસ્યા અંગે પણ ગ્રામસભામાં મહત્વની માહિતી આપવામાં આવી હતી. પાણી પુરવઠા વિભાગ દ્વારા સંપનું નિર્માણ કરવામાં આવ્યું હોવાનું જણાવાયું હતું, પરંતુ જરૂરી NOC ન મળવાને કારણે હજુ સુધી આ સંપનો ઉપયોગ શરૂ થઈ શક્યો નથી, જેના કારણે પાણીની સમસ્યાનો સંપૂર્ણ ઉકેલ લાવવામાં વિલંબ થઈ રહ્યો હોવાનું સામે આવ્યું હતું.
આ ઉપરાંત વાગરા નગરમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે આગામી સમયમાં સમગ્ર વાગરા નગરમાં CCTV કેમેરા લગાવવામાં આવશે તેમ પણ ગ્રામસભામાં જણાવવામાં આવ્યું હતું. CCTV વ્યવસ્થા અમલમાં આવ્યા બાદ જાહેર સ્થળો પર થતી ગતિવિધિઓ પર નજર રાખવામાં મદદ મળશે અને સુરક્ષાના દૃષ્ટિકોણથી પણ મહત્વનું પગલું સાબિત થઈ શકે છે. ગ્રામસભામાં ગ્રામજનોએ રજૂ કરેલા પ્રશ્નો અને પંચાયત દ્વારા આપવામાં આવેલી ખાતરી બાદ હવે આ સમસ્યાઓના ઉકેલ માટે વાસ્તવિક કામગીરી ક્યારે શરૂ થાય છે. અને વિકાસકામો સમયમર્યાદામાં પૂર્ણ થાય છે કે કેમ તે જોવું મહત્વપૂર્ણ બન્યું છે. ગ્રામસભામાં થયેલી ચર્ચા માત્ર કાગળ પર ન રહે અને ગ્રામજનોની રજૂઆતોનો સમયસર નિકાલ થાય તેવી અપેક્ષા ગ્રામજનોએ વ્યક્ત કરી હતી.
વધુમાં ડેપો સર્કલથી ખંડાલી માર્ગ તેમજ વાગરા બજાર વિસ્તારમાં આડેધડ પાર્કિંગને કારણે સર્જાતી ટ્રાફિક સમસ્યા અંગે પણ ગ્રામસભામાં રજૂઆત કરવામાં આવી હતી. મુખ્ય માર્ગો અને બજાર વિસ્તારમાં બેફામ પાર્કિંગના કારણે વાહનચાલકો તેમજ રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવાની રજૂઆત ગ્રામજનોએ કરી હતી. આ ગંભીર મુદ્દાને ધ્યાનમાં લઈ પંચાયત દ્વારા વાગરા પોલીસને લેખિત રજૂઆત કરી ટ્રાફિક વ્યવસ્થા સુચારુ બનાવવા જરૂરી કાર્યવાહી માટે રજૂઆત કરવાની ખાતરી આપવામાં આવી હતી.
ગ્રામસભામાં થયેલી ચર્ચા બાદ હવે ગ્રામજનોની રજૂઆતોને માત્ર ખાતરી પૂરતી સીમિત ન રાખી તેનો સમયસર અમલ થાય તે સૌથી મહત્વનું બન્યું છે. વિકાસકામોને ગતિ મળે, પાયાની સુવિધાઓ વધુ સુદૃઢ બને અને વાગરા નગર વધુ સુવિધાસભર તથા સુરક્ષિત બને તે દિશામાં પંચાયત દ્વારા હાથ ધરાનારી કામગીરી પર સૌની નજર રહેશે. ગ્રામજનોની અપેક્ષાઓને વિકાસમાં પરિવર્તિત કરવાની દિશામાં ગ્રામસભા મહત્વપૂર્ણ પગથિયું બની છે.
https://www.facebook.com/share/v/1GbyGUoRpb/નઈમ દિવાન, વાગરા
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com