વાગરા તાલુકાના પખાજણ સ્થિત PIP ઝોનમાં આવેલી INDOSPEC CHEMICALS PVT. LTD. ફરી એકવાર ગંભીર સવાલોના ઘેરામાં આવી છે. કંપનીની બે ચીમનીમાંથી પીળા રંગનો ધુમાડો નીકળતો હોવાના દ્રશ્યો સામે આવતાં આસપાસના વિસ્તારમાં વાયુ પ્રદૂષણ અંગે ચિંતા અને ચર્ચાએ જોર પકડ્યું છે. જો આક્ષેપોમાં તથ્ય હોય તો ઔદ્યોગિક એકમમાંથી બહાર નીકળતા ઉત્સર્જન અંગે પર્યાવરણના નિયમોનું પાલન થઈ રહ્યું છે કે નહીં, તે અંગે તાત્કાલિક વૈજ્ઞાનિક તપાસ કરવી જરૂરી બની છે. સૌથી મોટો સવાલ એ છે કે ચીમનીમાંથી દેખીતી રીતે પીળો ધુમાડો નીકળતો હોવા છતાં સંબંધિત તંત્રની નજર ક્યાં છે? કંપનીના ઉત્સર્જનનું નિયમિત મોનિટરિંગ થાય છે કે નહીં? GPCB દ્વારા આકસ્મિક સ્થળ તપાસ કરવામાં આવી છે કે નહીં? બંને ચીમનીમાંથી ઉત્સર્જનના નમૂના લેવામાં આવ્યા છે કે નહીં? જો નમૂના લેવામાં આવ્યા હોય તો તેના રિપોર્ટમાં શું બહાર આવ્યું? આવા અનેક સવાલોના સ્પષ્ટ જવાબો હવે જાહેર થવા જરૂરી છે.
ઔદ્યોગિક વિસ્તારમાં પર્યાવરણના નિયમો માત્ર કાગળ પર જ ન રહે અને કંપનીઓની કામગીરી માત્ર દસ્તાવેજોના આધારે ચકાસવાને બદલે વાસ્તવિક સ્થળ પર અચાનક તપાસ, ચીમની ઉત્સર્જનના વૈજ્ઞાનિક નમૂના, મોનિટરિંગ સિસ્ટમની ચકાસણી અને અગાઉના રેકોર્ડનું ઓડિટ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. જો નિયમભંગ સાબિત થાય તો માત્ર નોટિસ કે કાગળ પરની કાર્યવાહી પૂરતી ન ગણાય અને નિયમ મુજબ જવાબદારી નક્કી કરવામાં આવે તે જરૂરી છે. આ મામલો માત્ર ધુમાડા પૂરતો સીમિત નથી. INDOSPEC CHEMICALS અગાઉ પણ સલામતીના મુદ્દે સવાલોના ઘેરામાં આવી ચૂકી હોવાનું સામે આવ્યું છે. ગત તા. 08/07/2026ના રોજ સવારે આશરે 9 વાગ્યાના અરસામાં કંપનીના બોઇલર વિભાગમાં આવેલા પેનલ રૂમમાં પતરાના શેડ મારવાનું કામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન મૂળ ઉત્તરપ્રદેશના 22 વર્ષીય શ્રમિક રાહુલકુમાર પ્રેમલાલ સકસેના શેડ પરથી નીચે પટકાતા તેમનું મોત થયું હતું. એક તરફ કંપનીમાં અગાઉ જીવલેણ અકસ્માત સામે આવી ચૂક્યો છે અને બીજી તરફ હવે ચીમનીમાંથી પીળા ધુમાડાના આક્ષેપો સામે આવતા સલામતી તથા પર્યાવરણ વ્યવસ્થાની સમગ્ર કામગીરી અંગે ગંભીર સવાલો ઊભા થયા છે.
અહીં સૌથી મહત્વનો મુદ્દો એ છે કે એક ઔદ્યોગિક એકમમાં શ્રમિકોની સલામતી અને પર્યાવરણ, બંને બાબતો સાથે કોઈ બાંધછોડ ન થવી જોઈએ. અકસ્માતમાં યુવાન શ્રમિકનું જીવન ગુમાયું હોવાના બનાવ બાદ હવે જો ચીમની ઉત્સર્જન અંગે પણ સવાલો ઊભા થાય છે, તો સંબંધિત વિભાગોએ સમગ્ર વ્યવસ્થાની ઊંડાણપૂર્વક તપાસ કરવી જોઈએ. કંપનીની સલામતી પ્રણાલી, કામદારો માટેના સુરક્ષા સાધનો, જોખમી કામગીરી દરમિયાનની સાવચેતી અને પર્યાવરણ સંબંધિત મોનિટરિંગ, તમામ મુદ્દાઓની નિષ્પક્ષ તપાસ જરૂરી બની છે. સ્થાનિકોમાં હવે સીધો સવાલ છે કે GPCB અને સંબંધિત ઔદ્યોગિક સલામતી તંત્ર ક્યારે મેદાનમાં ઉતરશે? ચીમનીમાંથી નીકળતા પીળા ધુમાડામાં ખરેખર કયા તત્વો છે, તેની વૈજ્ઞાનિક તપાસ થશે કે નહીં? કંપનીના ઉત્સર્જનના અગાઉના રેકોર્ડની ચકાસણી થશે કે નહીં? અને જો કોઈ નિયમભંગ સામે આવે તો જવાબદારી નક્કી કરી નિયમ મુજબ કડક કાર્યવાહી થશે કે નહીં?
પર્યાવરણ અને માનવજીવન સાથે જોડાયેલા આવા ગંભીર મુદ્દાઓમાં માત્ર ઘટના સામે આવ્યા બાદ કાર્યવાહી કરવાને બદલે પ્રિવેન્ટિવ મોનિટરિંગ અને અચાનક તપાસ વધુ મહત્વની છે. પખાજણ PIP ઝોનમાં ઉઠેલા આ સવાલોનો જવાબ હવે કાગળ પર નહીં, પરંતુ સ્થળ તપાસ અને વૈજ્ઞાનિક રિપોર્ટના આધારે મળવો જોઈએ. GPCB સહિત સંબંધિત તંત્ર નિષ્પક્ષ તપાસ કરી સમગ્ર હકીકત જાહેર કરે અને જો નિયમોનો ભંગ થયો હોવાનું બહાર આવે તો જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરે, તે હવે સમયની માંગ બની છે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com