આમોદ-જંબુસર તાલુકા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખેંચાતા ખેડૂતોમાં સિંચાઈના પાણીની ચિંતા વધી રહી હતી. આવા સમયે ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને નર્મદા નહેરમાં પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રસરી હતી. નહેરમાં નર્મદાનું પાણી પહોંચતા જ આમોદ-જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામી સહિત મોટી સંખ્યામાં ખેડૂતો અને સ્થાનિક આગેવાનોએ નર્મદા મૈયાના વધામણા લઈ આનંદ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે ધારાસભ્ય ડી.કે. સ્વામીએ નર્મદા નહેર ખાતે શ્રીફળ અને પુષ્પ અર્પણ કરી નર્મદા મૈયાની પૂજા-અર્ચના કરી હતી. નર્મદાના નીરથી ખેડૂતોના ખેતરો લીલાછમ બને અને ખેડૂતોને મબલખ પાક પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના પણ કરવામાં આવી હતી. નહેરમાં પાણી આવતાં ખેડૂતોમાં આશાનું નવું કિરણ જોવા મળ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, વરસાદ ખેંચાઈ જતાં ઉભા પાકને સિંચાઈના પાણીની જરૂરિયાત ઊભી થઈ હતી. ખેડૂતોની આ ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખીને ધારાસભ્ય ડી.કે. સ્વામીએ રાજ્ય સરકાર સમક્ષ નવરાત્રી પહેલાં નર્મદા નહેરમાં સિંચાઈ માટે પાણી છોડવાની માંગ સાથે લેખિત રજૂઆત કરી હતી. ધારાસભ્યની રજૂઆતને રાજ્ય સરકારે ત્વરિત ધ્યાને લઈ ખેડૂતોના હિતમાં નર્મદા નહેરમાં પાણી છોડવાનો નિર્ણય કર્યો હતો. નર્મદા નહેરમાં પાણી છોડાતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી અને ખેડૂતો દ્વારા ધારાસભ્ય ડી.કે. સ્વામી તેમજ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સિંચાઈનું પાણી મળવાથી પાકને જીવનદાન મળ્યું હોવાની લાગણી ખેડૂતોમાં જોવા મળી હતી. ખેડૂતો માટે નર્મદાનું પાણી માત્ર સિંચાઈનો સ્ત્રોત નહીં પરંતુ તેમની મહેનત અને આગામી પાક માટે આશાનું આધાર બની રહ્યું છે. આ પ્રસંગે આમોદ તાલુકા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, આગેવાનો, નગરપાલિકાના સદસ્યો તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. નર્મદા નહેરમાં વહેતા નીરને વધાવી સૌએ ખેડૂતોના સુખાકારી અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.
યાસીન દિવાન, આમોદ
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com