Skip to main content

Geo Gujarat News

અંકલેશ્વર GIDCમાં નશાકારક ગોળીઓના કાળા કારોબારનો પર્દાફાશ! 7 કિલોથી વધુ ગોળીઓ જપ્ત, બે આરોપીઓ ઝડપાયા..

અંકલેશ્વર GIDC વિસ્તારમાં નશાકારક ગોળીઓના કથિત ગેરકાયદેસર વેપાર સામે પોલીસ અને એન્ટી નાર્કોટિક્સ વિભાગે કાર્યવાહી કરી કાળા કારોબારને મોટો ઝટકો આપ્યો છે. બે અલગ-અલગ કેસમાં દરોડા પાડીને પોલીસે કુલ 7 કિલોથી વધુ નશાકારક ગોળીઓનો જથ્થો ઝડપી પાડી બે આરોપીઓની ધરપકડ કરી છે. ઔદ્યોગિક વિસ્તારની આડમાં નશાના કારોબારનું નેટવર્ક સક્રિય હોવાની આશંકા વચ્ચે થયેલી આ કાર્યવાહીથી ગેરકાયદેસર નશાના વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. ભરૂચ SOG ટીમે જીતાલી ગામના યોગી સ્ટેટ વિસ્તારમાં કાર્યવાહી કરી પ્રદીપ મહાવીર નિશાદને ઝડપી પાડ્યો હતો.

તપાસ દરમિયાન તેની પાસેથી આશરે 5 કિલો 190 ગ્રામ કેશવ મુનક્કા ગોળીઓ મળી આવી હતી. પોલીસે જપ્ત કરેલા આ જથ્થાની કિંમત આશરે 2.64 લાખથી વધુ હોવાનું સામે આવ્યું છે. નશાકારક ગોળીઓનો આટલો મોટો જથ્થો ક્યાંથી આવ્યો અને કોને પહોંચાડવાનો હતો તે મુદ્દે હવે તપાસનો દોર આગળ વધારવામાં આવ્યો છે. બીજી તરફ, એન્ટી નાર્કોટિક્સ વિભાગે કરિયાણાની દુકાનમાં દરોડો પાડી ગોપાલજી જીતેન્દ્ર શર્માને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી આશરે 2 કિલો 085 ગ્રામ નશાકારક ગોળીઓ મળી આવી હતી, જેની કિંમત 1.24 લાખથી વધુ હોવાનું જાણવા મળ્યું છે. આ કેસમાં તરંગ વિજયાવતી અને કેશવ મુનક્કા નામની ગોળીઓનો જથ્થો મળી આવ્યો હોવાનું સામે આવ્યું છે.એક તરફ ઔદ્યોગિક વિકાસ અને રોજગારના હબ તરીકે ઓળખાતા અંકલેશ્વર GIDCમાં બીજી તરફ નશાકારક પદાર્થોના કથિત ગેરકાયદેસર વેપારની ઘટનાઓ ચિંતાજનક સવાલો ઉભા કરી રહી છે. ખાસ કરીને નશાની ગોળીઓનો જથ્થો ક્યાંથી આવે છે, કોના માધ્યમથી સપ્લાય થાય છે અને આખરે કોના સુધી પહોંચે છે? તે તપાસનો સૌથી મહત્વનો મુદ્દો બની રહ્યો છે. બંને કેસમાં અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે FIR નોંધવામાં આવી છે અને ગોળીઓના સ્ત્રોતથી લઈને સમગ્ર સપ્લાય ચેઈન સુધી પહોંચવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. હવે પોલીસ તપાસમાં માત્ર પકડાયેલા બે આરોપીઓ સુધી કાર્યવાહી સીમિત રહે છે કે નશાના આ કથિત નેટવર્ક પાછળના મોટા ખેલાડીઓ સુધી પહોંચે છે, તેના પર સૌની નજર છે.

 

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!