ભરૂચ તાલુકાના વડદલા ગામ નજીક આવેલા GNFC કંપનીના એસ-વાળા તળાવમાં મગર દેખાતા આસપાસના વિસ્તારમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. તળાવમાં મગર દેખાયો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ગ્રામજનોમાં સાવચેતીનો માહોલ જોવા મળી રહ્યો છે. તળાવ આસપાસ ગ્રામજનોની અવરજવર રહેતી હોવાથી મગરની હાજરીને પગલે ખાસ કરીને બાળકોની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગ્રામજનોને તળાવથી દૂર રહેવા તેમજ કોઈપણ વ્યક્તિ તળાવમાં નાહવા કે તેની નજીક જવા નહીં તેવી અપીલ કરવામાં આવી છે. તળાવ આસપાસ જતાં સમયે પણ સાવચેતી રાખવા જણાવાયું છે.
મગર દેખાવાની ઘટનાને પગલે હવે વન વિભાગ દ્વારા તાત્કાલિક સ્થળ પર પહોંચીને પરિસ્થિતિની તપાસ કરવામાં આવે અને મગરની હાજરીની પુષ્ટિ થયા બાદ તેને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે. ગ્રામજનોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તળાવ આસપાસ જરૂરી તકેદારીના પગલાં લેવામાં આવે તે જરૂરી બન્યું છે. મગર દેખાવાના વાયરલ વીડિયોને પગલે હાલ સ્થાનિકોમાં ચર્ચા અને ચિંતા વધી છે. જોકે, મગરની ચોક્કસ હાજરી અને તેની સ્થિતિ અંગે વન વિભાગની સત્તાવાર તપાસ બાદ જ સ્પષ્ટતા થઈ શકશે. ત્યાં સુધી ગ્રામજનોએ સાવચેતી રાખી તળાવથી દૂર રહેવું હિતાવહ છે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com