ભરૂચ નગરપાલિકાએ વર્ષ 2026-27ના મિલકતવેરાના બિલનું વિતરણ શરૂ કરવાની સાથે જ લાંબા સમયથી મિલકતવેરો બાકી રાખનારા બાકીદારો સામે કડક વસૂલાત કાર્યવાહી શરૂ કરી છે. નગરપાલિકાની આ કાર્યવાહીને પગલે વર્ષોથી વેરો નહીં ભરનારા મિલકતધારકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. નગરપાલિકાની ટીમે વોર્ડ નંબર 10ના ફાટાતળાવ વિસ્તારમાં છેલ્લા પાંચ વર્ષથી 50 હજારથી વધુનો મિલકતવેરો બાકી રાખનારી બે મિલકતોને સીલ કરી હતી.
લાંબા સમયથી બાકી રહેલા વેરાની વસૂલાત માટે નગરપાલિકાએ સીધી સીલિંગ કાર્યવાહી કરતાં અન્ય બાકીદારો માટે પણ કડક સંદેશો ગયો છે. આ ઉપરાંત, નગરપાલિકાની ટીમ દ્વારા અન્ય મિલકતવેરા બાકીદારોને વોરંટની બજવણી કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી જ 2 લાખથી વધુનો બાકી મિલકતવેરો વસૂલવામાં આવ્યો હતો. નગરપાલિકાની ટીમ દ્વારા બાકીદારોને સમયસર વેરો ભરવા અને કાયદેસરની કાર્યવાહીથી બચવા માટે સૂચના આપવામાં આવી હતી.
ભરૂચ નગરપાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે મિલકતવેરો સમયસર ભરવો એ દરેક મિલકતધારકની જવાબદારી છે. વર્ષો સુધી વેરો બાકી રાખવામાં આવશે તો નોટિસ, વોરંટ અને જરૂરિયાત મુજબ મિલકત સીલ કરવા સહિતની કડક કાર્યવાહી કરવામાં આવશે. આગામી દિવસોમાં પણ બાકીદારો સામે વસૂલાતની કાર્યવાહી ચાલુ રહેવાની શક્યતા છે. નગરપાલિકાની આ કાર્યવાહીથી એક તરફ લાંબા સમયથી બાકી રહેલા વેરાની વસૂલાતને વેગ મળ્યો છે, તો બીજી તરફ અન્ય બાકીદારોને પણ સમયસર મિલકતવેરો ભરવાનો સંદેશો મળ્યો છે. નાગરિકોને દંડ અને અન્ય કાયદેસરની કાર્યવાહીથી બચવા માટે પોતાનો બાકી મિલકતવેરો સમયસર ભરવા નગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com