Skip to main content

Geo Gujarat News

જંબુસરના રામપુર ગામે દીપડાનો આતંક, ઘરઆંગણે બાંધેલી ગાયનો શિકાર, ગ્રામજનોમાં ભયનો માહોલ

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના રામપુર ગામે દીપડાના હુમલાની ઘટના સામે આવતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે. ગામના છેવાડે ઘરઆંગણે બાંધેલી ગાય પર રાત્રિના સમયે દીપડાએ હુમલો કરી તેનો શિકાર કર્યો હતો. ઘટનામાં પશુપાલક દિલીપસિંહ પ્રતાપસિંહ સોલંકીની ગાયનું મોત નીપજ્યું હતું. રાત્રિના સમયે દીપડો રહેણાંક વિસ્તાર સુધી પહોંચી ગાય પર હુમલો કરી શિકાર કરી ગયો હોવાની ઘટનાથી ગ્રામજનોમાં ચકચાર મચી છે. અગાઉ જંગલ કે વાડી વિસ્તારમાં જોવા મળતા વન્યપ્રાણીઓ હવે ગામના રહેણાંક વિસ્તાર નજીક દેખાવા લાગતા લોકો અને પશુધનની સુરક્ષાને લઈને ચિંતા વધી છે.ઘટનાની જાણ થતાં જંબુસર ફોરેસ્ટ વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. વન વિભાગ દ્વારા દીપડાની અવરજવર અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. ઘટનાસ્થળેથી મળેલા નિશાન તથા અન્ય વિગતોના આધારે દીપડાની હાજરી અંગે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. રહેણાંક વિસ્તાર નજીક દીપડાની અવરજવર સામે આવતા ગ્રામજનોએ વન વિભાગ પાસે તાત્કાલિક તકેદારીના પગલાં ભરવાની માંગ કરી છે. ખાસ કરીને રાત્રિના સમયે ગ્રામજનોને સાવચેત રહેવા તેમજ બાળકો અને પશુધનને સુરક્ષિત રાખવા જરૂરી સૂચનાઓ આપવામાં આવે તેવી માંગ ઉઠી છે. સાથે જ દીપડાને ઝડપી પાડવા અથવા તેને રહેણાંક વિસ્તારથી દૂર ખસેડવા માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!