વાગરા નગરમાં આવેલી વાંટા મિશ્ર શાળા ચર્ચાના કેન્દ્રમાં આવી છે. શાળામાં અભ્યાસ કરવા આવતા બાળકો પાસે સફાઈ કરાવવામાં આવતી હોવાના આક્ષેપો સામે આવતાં શિક્ષણ વ્યવસ્થા, બાળકોની સુરક્ષા અને શાળાના વહીવટ સામે સવાલો ઊભા થયા છે. એક વાલી દ્વારા રજૂ કરવામાં આવેલા એક વીડિયોમાં બાળકો હાથમાં સાવરણી લઈને કચરો વાળતા દેખાતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ દૃશ્યોને લઈને વાલી વર્ગમાં નારાજગી જોવા મળી રહી છે. જોકે, બાળકો પાસે કયા સંજોગોમાં અને કયા હેતુથી સફાઈ કરાવવામાં આવી હતી, તેની સત્તાવાર તપાસ અને સ્પષ્ટતા વિના સમગ્ર ઘટનાને એકતરફી રીતે નિષ્કર્ષ પર લઈ જવું યોગ્ય નહીં ગણાય.
આ મામલે વાલી આસિફ શેખે શાળાના પ્રિન્સિપાલ અને સ્ટાફ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમના જણાવ્યા અનુસાર, બાળકો પાસે કચરો વળાવવામાં આવે છે. અને ત્યારબાદ તે કચરો શાળાની બહાર ચાલુ રસ્તા પર નાખવા માટે પણ મોકલવામાં આવે છે. જો આ આક્ષેપોની હકીકત તપાસમાં સાબિત થાય, તો બાળકોની સલામતી અને તેમની જવાબદારી અંગે ગંભીર પ્રશ્નો ઊભા થઈ શકે છે. શાળા એ બાળકોને શિક્ષણ, સંસ્કાર અને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવાનું સ્થળ છે. ત્યારે સફાઈની કામગીરી દરમિયાન બાળકોને જાહેર રસ્તા સુધી મોકલવામાં આવ્યાં હતાં કે નહીં, બાળકોની દેખરેખ કોણ રાખતું હતું, અને આવી કામગીરી માટે સલામતીનાં કયાં પગલાં લેવાયાં હતાં, તે બાબતોની નિષ્પક્ષ તપાસ થવી જરૂરી છે.
વાલી આસિફ શેખે આ મુદ્દે આક્રોશ વ્યક્ત કરતાં સવાલ ઉઠાવ્યો છે કે, જો બાળકો કચરો નાખવા માટે રસ્તા પર જાય અને એ દરમિયાન કોઈ અકસ્માત થાય અથવા કોઈ અનિચ્છનીય ઘટના બને, તો તેની જવાબદારી કોણ લેશે? શું પ્રિન્સિપાલ કે શાળાનો સ્ટાફ બાળકની સુરક્ષાની જવાબદારી સ્વીકારશે? આ સવાલ માત્ર એક વાલીનો રોષ નથી, પરંતુ શાળામાં બાળકોની સુરક્ષા વ્યવસ્થા અંગે તપાસ માંગતો મુદ્દો છે. બાળકોને સ્વચ્છતા અંગે જાગૃતિ આપવી અને તેમની પાસે જોખમી પરિસ્થિતિમાં કામ કરાવવું, આ બંને વચ્ચેનો તફાવત સમજવો અત્યંત જરૂરી છે. આસિફ શેખે શાળામાં બાળકોને જમવા બેસાડવાની વ્યવસ્થા અંગે પણ અસંતોષ વ્યક્ત કર્યો છે. તેમના આક્ષેપ મુજબ, અગાઉના પ્રિન્સિપાલના સમયગાળામાં બાળકોને જમવા માટે પાઠણીયા પર વ્યવસ્થિત રીતે બેસાડવામાં આવતા હતા, પરંતુ વર્તમાન પ્રિન્સિપાલ મહેમુદાબેન આવ્યા બાદ આ વ્યવસ્થામાં ફેરફાર થયો છે. બાળકોને જમવા બેસાડવાની યોગ્ય વ્યવસ્થા જળવાતી નથી અને તેમની સુવિધા પ્રત્યે પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી, તેવો દાવો વાલી દ્વારા કરવામાં આવ્યો છે. જોકે, આ મુદ્દે શાળામાં હાલ વાસ્તવિક વ્યવસ્થા કેવી છે, અને બાળકોને કઈ પરિસ્થિતિમાં ભોજન આપવામાં આવે છે, તેની પણ સ્થળ પર તપાસ થવી જોઈએ.
તો બીજી તરફ આ સમગ્ર મામલે શાળાનાં પ્રિન્સિપાલ મહેમુદાબેને મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રજૂ કરતાં જણાવ્યું હતું કે, શાળામાં સફાઈની કામગીરી સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત સ્વચ્છતા સેવા યોગદાન કાર્યક્રમના ભાગરૂપે હાથ ધરવામાં આવી હતી. તેમના જણાવ્યા મુજબ, આ અભિયાન અંતર્ગત શાળામાં એક ટીમ બનાવી સફાઈ કરાવવાની હોય છે, ત્યારબાદ તેની તસવીરો પત્રક-બી માં તેમજ શિક્ષણ સાગરના સત્તાવાર ગ્રુપમાં મૂકવાની હોય છે. અને હાથ ધરાયેલી કામગીરીનો અહેવાલ વડી કચેરીને મોકલવાનો હોય છે. વધુમાં આ સફાઈની કામગીરીમાં શાળાનો સ્ટાફ પણ વિદ્યાર્થીઓ સાથે આ અભિયાનમાં જોડાય છે. પ્રિન્સિપાલે આ કામગીરીને શિક્ષણનો જ એક ભાગ ગણાવી હતી. તેમનો પક્ષ એવો છે કે સફાઈની પ્રવૃત્તિ અભિયાનની માર્ગદર્શિકા અને કામગીરીના અહેવાલ સાથે જોડાયેલી હતી. પરંતુ અહીં એક મહત્ત્વનો પ્રશ્ન એ છે કે સ્વચ્છતા અભિયાનનો હેતુ બાળકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવાનો હોય, તો તેની અમલવારી કઈ રીતે કરવામાં આવી હતી? શું બાળકોને માત્ર સ્વચ્છતા અંગે સમજ આપવામાં આવી હતી કે તેમની પાસે વાસ્તવિક સફાઈ પણ કરાવવામાં આવી હતી? શું બાળકોને શાળાની બહાર ચાલુ રસ્તા પર કચરો નાખવા મોકલવામાં આવ્યાં હતાં? અને જો આવું થયું હોય, તો તેમની સાથે જવાબદાર કર્મચારી કે શિક્ષક હાજર હતા કે નહીં? આ તમામ પ્રશ્નોના જવાબ માત્ર નિવેદનોથી નહીં, પરંતુ હકીકતની તપાસથી જ સ્પષ્ટ થઈ શકે છે. અભિયાનના નામે હાથ ધરાતી કોઈપણ પ્રવૃત્તિમાં બાળકોની સુરક્ષા અને શૈક્ષણિક હિતને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવી અનિવાર્ય છે.
બાળકોને જમવા બેસાડવાની વ્યવસ્થા અંગેના આક્ષેપના જવાબમાં પ્રિન્સિપાલ મહેમુદાબેને જણાવ્યું હતું કે સરકાર તરફથી આ માટે અલગથી કોઈ ખર્ચ આપવામાં આવતો નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે નીચેની જગ્યા યોગ્ય રીતે સાફ કર્યા બાદ જ બાળકોને બેસાડવામાં આવે છે. સાથે જ તેમણે આક્ષેપ કર્યો હતો કે, તેમને અને તેમની શાળાને બદનામ કરવાનું કાવતરું કરવામાં આવી રહ્યું છે. આમ, એક તરફ વાલી શાળાની વ્યવસ્થા અને બાળકોની સુવિધા સામે સવાલો ઉઠાવી રહ્યા છે, તો બીજી તરફ પ્રિન્સિપાલ આક્ષેપોને નકારી પોતાનો બચાવ કરી રહ્યાં છે. અને સમગ્ર મામલાને બદનામીના કાવતરાથી જોડે છે. આ પરિસ્થિતિમાં સૌથી મહત્ત્વની બાબત એ છે કે વિવાદને વ્યક્તિગત આક્ષેપ-પ્રતિઆક્ષેપ સુધી સીમિત રાખવાને બદલે બાળકોના હિતને કેન્દ્રમાં રાખવામાં આવે. જો શાળામાં સફાઈ અભિયાન યોજાયું હોય, તો તેની કામગીરી, માર્ગદર્શિકા, ફોટોગ્રાફ્સ અને વડી કચેરીને મોકલવામાં આવેલા અહેવાલની ચકાસણી થવી જોઈએ. સાથે જ વાલી દ્વારા રજૂ કરવામાં આવેલા વીડિયોની તપાસ કરીને બાળકોની ભૂમિકા, સફાઈની પરિસ્થિતિ અને કચરાના નિકાલ અંગેની હકીકત બહાર લાવવી જરૂરી છે. મધ્યાહન ભોજન દરમિયાન બાળકોને બેસાડવાની વ્યવસ્થા પણ સ્થળ પર તપાસવામાં આવે, જેથી બંને પક્ષે કરવામાં આવેલા દાવાઓની વાસ્તવિકતા સ્પષ્ટ થઈ શકે.
શાળાના પ્રિન્સિપાલ અને સ્ટાફની જવાબદારી માત્ર અભિયાનના ફોટા મૂકવા કે અહેવાલ તૈયાર કરવા પૂરતી મર્યાદિત નથી. બાળકોને સુરક્ષિત વાતાવરણ, યોગ્ય સુવિધાઓ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવું પણ એટલું જ મહત્ત્વનું છે. બીજી તરફ, વાલીઓના આક્ષેપો ગંભીર હોય તો તેમની રજૂઆતને અવગણવાને બદલે તથ્યોના આધારે તપાસ થવી જોઈએ. જો કોઈ ગેરરીતિ કે બેદરકારી સાબિત થાય, તો જવાબદાર સામે નિયમ મુજબ કાર્યવાહી થવી જોઈએ. અને જો આક્ષેપો તથ્યવિહોણા સાબિત થાય, તો તે પણ સ્પષ્ટ થવું જોઈએ. હવે આ સમગ્ર મામલે શિક્ષણ વિભાગના જવાબદાર અધિકારીઓ શું પગલાં લે છે, તે જોવાનું રહેશે. શું શિક્ષણ વિભાગ વાંટા મિશ્ર શાળાની મુલાકાત લઈને સફાઈની કામગીરી અને મધ્યાહન ભોજનની વ્યવસ્થાની તપાસ કરશે? શું બાળકોને રસ્તા પર કચરો નાખવા મોકલવાના આક્ષેપોની હકીકત બહાર આવશે? કે પછી આ મામલો પણ આક્ષેપો અને ખુલાસાઓ વચ્ચે જ અટકી જશે? આ સવાલોના જવાબ તટસ્થ તપાસ બાદ જ મળી શકશે. અંતે, મુદ્દો કોઈ વ્યક્તિને બદનામ કરવાનો કે કોઈના બચાવનો નથી. મુદ્દો બાળકોની સુરક્ષા, સન્માન અને સુવિધાનો છે. શાળામાં સ્વચ્છતા અભિયાન આવકાર્ય છે, પરંતુ તેની અમલવારી બાળકોની સુરક્ષાને જોખમમાં મૂક્યા વિના થવી જોઈએ. વાલીઓના આક્ષેપો અને પ્રિન્સિપાલના ખુલાસા વચ્ચે હવે શિક્ષણ વિભાગની નિષ્પક્ષ તપાસ જ સમગ્ર મામલાની સાચી હકીકત બહાર લાવી શકે છે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com