Skip to main content

Geo Gujarat News

વાગરા: સાયખા GIDCની ABS AROMATICS LLPની ચીમનીમાંથી કાળા ધુમાડા નીકળતાં ખળભળાટ, GPCBની કામગીરી સામે સવાલો!

સાયખા GIDCમાં પ્રદૂષણનો કાળો ખેલ? વાગરા તાલુકાની સાયખા GIDCમાં આવેલી ABS AROMATICS LLP કંપનીની ચીમનીમાંથી શંકાસ્પદ ઘેરા કાળા રંગના ધુમાડા નીકળતા હોવાનો મામલો સામે આવ્યો છે. સ્થાનિક સ્તરે ઉઠી રહેલા આક્ષેપો મુજબ, સાંજના સમયે આ રીતે હવામાં ધુમાડો છોડવામાં આવતો હોવાની ફરિયાદો ઉઠી રહી છે. ABS AROMATICS LLPની ચીમનીમાંથી કાળા ધુમાડા નીકળ્યાના આક્ષેપો, GPCBના અધિકારીઓની આંખે પાટા કે જવાબદારીમાંથી છટકબારી? જો આ આક્ષેપો સાચા હોય, તો સવાલ એ છે કે ઔદ્યોગિક વિકાસના નામે પર્યાવરણ અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવાની છૂટ આખરે કોના આશીર્વાદથી મળી રહી છે? ખાસ કરીને રવિવાર જેવા રજાના દિવસે પ્રદૂષણની આવી પ્રવૃત્તિઓ થતી હોવાના આક્ષેપોએ અનેક સવાલો ઊભા કર્યા છે. શું રજાના દિવસે પ્રદૂષણ નિયંત્રણના નિયમો લાગુ પડતા નથી? શું ઔદ્યોગિક એકમોને પોતાની મરજી મુજબ હવામાં ધુમાડો છોડવાની છૂટ મળી ગઈ છે? જો કંપનીની ચીમનીમાંથી નીકળતા ધુમાડામાં હાનિકારક તત્ત્વો હોવાની આશંકા હોય, તો તેની તાત્કાલિક વૈજ્ઞાનિક તપાસ કરવી અનિવાર્ય છે.GPCB ઊંઘમાં કે આંખ આડા કાન? તો બીજી તરફ, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કામગીરી સામે પણ સ્થાનિક સ્તરે સવાલો ઊઠી રહ્યા છે. શું તંત્ર માત્ર કાગળ પરની કાર્યવાહી અને નોટિસો પૂરતું જ સીમિત છે કે, પછી મેદાનમાં ઉતરીને વાસ્તવિક પરિસ્થિતિની તપાસ પણ કરે છે? સાંજના સમયે અને રવિવારની રજાના દિવસે અચાનક તપાસ હાથ ધરવામાં આવે તો જ વાસ્તવિક સ્થિતિ બહાર આવી શકે તેમ છે. સાયખા GIDCમાં ABS AROMATICS LLP સામે સવાલોનો ધુમાડો! માત્ર ઓફિસમાં બેસીને કરવામાં આવતી કાર્યવાહીથી જો પ્રદૂષણ અટકતું ન હોય, તો આવી કામગીરીનો જનતાને શું ફાયદો? હવે GPCBના અધિકારીઓએ સમગ્ર મામલે તાત્કાલિક સ્થળ તપાસ કરી ચીમનીમાંથી નીકળતા ધુમાડાના નમૂના લેવા જોઈએ, કંપનીના પ્રદૂષણ નિયંત્રણનાં સાધનો કાર્યરત છે કે નહીં તેની ચકાસણી કરવી જોઈએ અને જરૂરી હોય તો હવાના ગુણવત્તાના માપદંડોની વૈજ્ઞાનિક તપાસ કરાવવી જોઈએ. નિયમોનો ભંગ સાબિત થાય તો જવાબદાર એકમ સામે કાયદેસરની કડક કાર્યવાહી થવી જોઈએ તેવી લોકમાંગ ઉઠવા પામી છે.ચીમનીમાંથી કાળા ધુમાડા, તંત્રની દેખરેખ ક્યાં? ABS AROMATICS LLP મામલે GPCB મેદાનમાં ઉતરશે કે કાગળ પર જ તપાસ કરશે? હવે સૌથી મોટો સવાલ એ છે કે સાયખા GIDCમાં પ્રદૂષણ નિયંત્રણ માટે જવાબદાર તંત્ર ખરેખર સક્રિય છે કે પછી પ્રદૂષણના આક્ષેપો વચ્ચે પણ આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે? હવે જોવાનું એ રહ્યું કે GPCB આ મામલે માત્ર કાગળ પર જવાબ આપશે કે પછી સ્થળ પર ઉતરીને તપાસ કરશે અને હકીકત જનતા સમક્ષ મૂકશે. નોંધનીય છે, કે ધુમાડામાં હાનિકારક તત્ત્વો હોવાની બાબત અને નિયમભંગ અંગેની હકીકત સત્તાવાર તપાસ તથા નમૂનાના અહેવાલ બાદ જ સ્પષ્ટ થશે. જોકે વિસ્તારમાં અસહ્ય દુર્ગંધને કારણે આંખોમાં બળતરા, શ્વાસ લેવામાં તકલીફ જેવી અનેક ફરિયાદો ઉઠવા પામી છે.

 

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!