ભરૂચ તાલુકાના વાંશી ગામે આવેલ હઝરત છાંગુશા પીર બાવાની પવિત્ર દરગાહ ખાતે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ સંદલ શરીફની ભવ્ય અને શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. ધાર્મિક આસ્થા, પરંપરા અને કોમી સદભાવનાના સંગમ સમાન આ પ્રસંગે હિન્દુ-મુસ્લિમ એકતાની સુંદર ઝલક જોવા મળી હતી. વિવિધ ધર્મના શ્રદ્ધાળુઓની ઉપસ્થિતિએ ગામમાં ભાઈચારા, પ્રેમ અને એકતાનો સંદેશ પ્રસરાવ્યો હતો.
ઇસ્લામિક કેલેન્ડર મુજબ જમાદીઉલ અવ્વલ મહિનાના ત્રીજા ચાંદે દરગાહ ખાતે સંદલ શરીફની ધાર્મિક વિધિ યોજાઈ હતી. વાંશી ગામના રાજા તરીકે જાણીતા હઝરત છાંગુશા પીર બાવાનો સંદલ ખાદીમ ગુલામ બાપુના નિવાસસ્થાનેથી પરંપરાગત રીતે નીકળ્યો હતો. આ પ્રસંગે આમોદના સલીમુલ્લાહ રીફાઈ ગ્રુપ તેમજ ગુલામ બાદશાહ અને અલમાસ બાદશાહના ગ્રુપ દ્વારા નોબત અને કવ્વાલીની સુરાવલીઓ રજૂ કરવામાં આવી હતી. નોબતના નાદ અને કવ્વાલીની ગુંજ વચ્ચે સમગ્ર ગામ ભક્તિભાવ અને ઉત્સાહના રંગે રંગાયું હતું.
સંદલનો જુલૂસ ગામના વિવિધ વિસ્તારોમાં ફરીને પવિત્ર દરગાહ ખાતે પહોંચ્યો હતો. ત્યારબાદ અસરની નમાજ બાદ સંદલ શરીફની વિધિ સંપન્ન કરવામાં આવી હતી. પ્રસંગે શ્રદ્ધાળુઓને નિયાઝનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ દેશની અમન-શાંતિ, સુખાકારી, સમૃદ્ધિ અને કોમી ભાઈચારો જળવાઈ રહે તે માટે ખાસ દુઆઓ કરવામાં આવી હતી.
વાંશી ગામમાં યોજાયેલી આ ઉજવણી માત્ર ધાર્મિક પરંપરાની ઉજવણી બનીને રહી નહોતી, પરંતુ સામાજિક એકતા અને કોમી સદભાવનાનું જીવંત ઉદાહરણ બની હતી. ધર્મ અને આસ્થાની વિવિધતા વચ્ચે માનવતા, પરસ્પર સન્માન અને ભાઈચારો જ સમાજની સાચી તાકાત છે, તેવો સંદેશ આ પ્રસંગે જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં ઉપસ્થિત શ્રદ્ધાળુઓએ ધાર્મિક ઉત્સાહ સાથે ઉજવણીમાં સહભાગી બની પ્રસંગને યાદગાર બનાવ્યો હતો. કાર્યક્રમના અંતે ટ્રસ્ટી મંડળ દ્વારા ઉપસ્થિત તમામ મહેમાનો, આગેવાનો અને શ્રદ્ધાળુઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આમ, હઝરત છાંગુશા પીર બાવાના સંદલ શરીફની ઉજવણીએ વાંશી ગામમાં શ્રદ્ધા, પ્રેમ, એકતા અને ભાઈચારાની સુગંધ પ્રસરાવી હતી.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com