ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાની સાયખા GIDCમાં આવેલી સિનઝીલ ફાર્માકેમ કંપનીમાં થયેલા ભયાનક રિએક્ટર બ્લાસ્ટ બાદ આખરે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. આ દુર્ઘટનામાં પાંચ કર્મચારીઓનાં કરુણ મોત નીપજ્યાં હતાં, જ્યારે અન્ય પાંચ જેટલા કામદારો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી સામે આવી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કેમિકલના સેમ્પલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીને સોંપવામાં આવ્યા છે અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પણ એક્શનમાં આવ્યું છે. જોકે, હવે સૌથી મોટો સવાલ એ છે કે પાંચ જિંદગીઓ છીનવનારા આ ભયાનક બ્લાસ્ટ પાછળ ખરેખર કયું કારણ જવાબદાર છે અને ઔદ્યોગિક સલામતીના નિયમોનું કેટલું પાલન કરવામાં આવતું હતું? મળતી માહિતી મુજબ, કંપનીમાં મિથિલીન ડાય ક્લોરાઇડ અને મોર્ફોલીન નામનાં કેમિકલના મિશ્રણ પર હાઇડ્રોજિનેશનની પ્રક્રિયા ચાલી રહી હતી, તે દરમિયાન અચાનક રિએક્ટર વેસલમાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો. બ્લાસ્ટનો અવાજ આશરે 17 કિલોમીટર સુધીના વિસ્તારમાં સંભળાયો હોવાની વિગતોને પગલે આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ કોઈ સામાન્ય ઔદ્યોગિક ઘટના નહોતી, પાંચ કામદારોનાં મોત અને અનેક પરિવારો પર તૂટી પડેલી આ આફત ઉદ્યોગોની સલામતી વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા કરે છે.
14 વખત પ્રક્રિયા સફળ, તો 15મી વખત એવું શું બદલાયું? આ સમગ્ર ઘટનામાં સૌથી વધુ ચર્ચાસ્પદ બાબત એ છે કે કંપનીમાં અગાઉ આ પ્રક્રિયા હેઠળ 14 પ્રોડક્ટનું કામ સફળતાપૂર્વક પૂર્ણ થયું હોવાનું જણાવાઈ રહ્યું છે, પરંતુ 15મી વખતની પ્રક્રિયા દરમિયાન જ રિએક્ટર બ્લાસ્ટ થતાં અનેક સવાલો ઊભા થયા છે. શું આ વખતે વપરાયેલા કાચા માલમાં અશુદ્ધિ હતી? શું પ્રક્રિયા દરમિયાન તાપમાન અને દબાણનું યોગ્ય નિયંત્રણ જળવાયું હતું? શું રિએક્ટર, સેફ્ટી વાલ્વ અને અન્ય સુરક્ષા ઉપકરણોની કાર્યક્ષમતા ચકાસવામાં આવી હતી? આ તમામ મુદ્દાઓની નિષ્પક્ષ અને ટેકનિકલ તપાસ થવી અનિવાર્ય છે. અગાઉની 14 પ્રક્રિયા સફળ રહી હોવાનો અર્થ એ નથી કે 15મી પ્રક્રિયામાં કોઈ ટેકનિકલ ખામી કે માનવીય બેદરકારી શક્ય જ ન હોય. હાઇડ્રોજિનેશન જેવી પ્રક્રિયામાં હાઇડ્રોજન ગેસ, તાપમાન, દબાણ અને વપરાતા રસાયણોની ગુણવત્તા અત્યંત મહત્ત્વ ધરાવે છે. પ્રક્રિયા દરમિયાન નિયંત્રણ ખોરવાય અથવા કોઈ ટેકનિકલ ખામી સર્જાય તો ગંભીર અકસ્માત થઈ શકે છે. કેમિકલમાં અશુદ્ધિ હોવાની શક્યતા પણ તપાસનો એક મુદ્દો બની શકે છે, પરંતુ FSLના રિપોર્ટ અને નિષ્ણાતોની તપાસ વિના તેને બ્લાસ્ટનું નિશ્ચિત કારણ ગણવું યોગ્ય નથી. હવે સેમ્પલના પૃથ્થકરણથી કેમિકલની ગુણવત્તા અને સંભવિત અશુદ્ધિ અંગે વધુ સ્પષ્ટતા થવાની અપેક્ષા છે.
બીજી તરફ, વાગરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ માત્ર અકસ્માત મોતની નોંધ પૂરતી નથી, આ દુર્ઘટના પાછળનું મૂળ કારણ શોધવું અને જવાબદારી નક્કી કરવી એટલું જ જરૂરી છે. કંપનીમાં સલામતીના નિયમોનું પાલન થતું હતું કે નહીં, રિએક્ટરની જાળવણીના રેકોર્ડ શું કહે છે, કર્મચારીઓને પૂરતી તાલીમ અપાઈ હતી કે નહીં અને કટોકટીની સ્થિતિમાં સુરક્ષા વ્યવસ્થા કેટલી અસરકારક હતી, આ તમામ બાબતોની ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ. પાંચ કામદારોનાં મોત બાદ હવે સવાલ માત્ર એક કંપની પૂરતો સીમિત નથી, પરંતુ સમગ્ર ઔદ્યોગિક પટ્ટામાં કામદારોની સુરક્ષાનો છે. GPCB સહિત સંબંધિત વિભાગો તપાસમાં કોઈ કચાશ ન રાખે અને FSLના રિપોર્ટ સહિત તમામ ટેકનિકલ પુરાવાના આધારે જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી થાય, તેવી માંગ ઊઠી રહી છે. કારણ કે ઔદ્યોગિક વિકાસની કિંમત કામદારોનાં જીવનથી ચૂકવવી પડે તે કોઈ પણ સંજોગોમાં સ્વીકાર્ય ન હોઈ શકે. હવે જોવાનું એ છે કે તપાસ માત્ર કાગળો પૂરતી સીમિત રહે છે કે પાંચ મૃતકોના પરિવારોને ન્યાય અપાવવા માટે તંત્ર ખરેખર જવાબદારી નક્કી કરે છે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com