Skip to main content

Geo Gujarat News

અંકલેશ્વર GIDCમાં આડા સંબંધોના વહેમમાં પતિ બન્યો પત્નીનો કાળ, કાન્હા રેસિડેન્સીના સિક્યુરિટી રૂમમાં લોહિયાળ અંત!

અંકલેશ્વર GIDC વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી હત્યાની ઘટના સામે આવી છે. ગોલ્ડન પોઈન્ટ ચોકડી નજીક આવેલી કાન્હા રેસિડેન્સીના સિક્યુરિટી રૂમમાં વોચમેન પતિએ જ પોતાની પત્નીની નિર્દયતાથી હત્યા કરી નાખતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક માહિતી અનુસાર, વોચમેન ટેકબહાદુર ભીમ બહાદુર ચંદે તેની પત્ની લક્ષ્મીચંદના માથાના ભાગે બોથડ પદાર્થ મારી તેની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.પ્રાથમિક તપાસમાં આડા સંબંધોની શંકાને લઈને પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, માત્ર વહેમના આધારે સર્જાયેલા વિવાદમાં એક મહિલાએ જીવ ગુમાવ્યાની આ ઘટનાએ અનેક સવાલો ઊભા કર્યા છે. સંબંધોમાં વિશ્વાસના સ્થાને શંકા અને વિવાદ હિંસક સ્વરૂપ ધારણ કરે ત્યારે તેના પરિણામો કેટલા ભયાનક હોઈ શકે છે, તેની આ ઘટના ગંભીર ચેતવણી સમાન છે.ઘટનાની જાણ થતાં જ GIDC પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આરોપી પતિ ટેકબહાદુર ભીમ બહાદુર ચંદની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હત્યા પાછળનું ચોક્કસ કારણ શું હતું, ઘટનાની પરિસ્થિતિ કેવી રીતે સર્જાઈ અને તેમાં અન્ય કોઈ કારણ જવાબદાર છે કે કેમ, તે સહિતના મુદ્દાઓ પર પોલીસ તપાસ કરી રહી છે. હાલમાં આડા સંબંધોના વહેમને હત્યા પાછળનું સંભવિત કારણ માનવામાં આવી રહ્યું છે, પરંતુ હત્યાનું ચોક્કસ કારણ પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે. અંકલેશ્વર GIDCમાં બનેલી આ ઘટનાએ ફરી એકવાર સંબંધોમાં શંકા અને ગુસ્સાના ઘાતક પરિણામો સામે લાવી દીધાં છે. હવે પોલીસ તપાસમાં હત્યાની સમગ્ર હકીકત બહાર આવે છે કે કેમ તેના પર સૌની નજર છે.

 

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!