આમોદ: આમોદ તાલુકાની ચકલાદ મિશ્ર શાળાના પરિસરમાં વૃક્ષ પર અચાનક ૬થી ૭ ફૂટ લાંબો ધામણ સાપ દેખાતાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં ચિંતા ફેલાઈ હતી. શાળાના પરિસરમાં બાળકોની અવરજવર વચ્ચે વિશાળ સાપ નજરે પડતાં સૌનું ધ્યાન તેની તરફ ખેંચાયું હતું.
જોકે, આ પરિસ્થિતિમાં શાળાનાં પ્રિન્સિપાલે ગભરાટ ફેલાવવાને બદલે સમયસૂચકતા અને સતર્કતા દાખવી હતી. ઘટનાની જાણ થતાં જ પ્રિન્સિપાલને તાત્કાલિક નેચર સેવિંગ ફાઉન્ડેશનના અંકિત પરમારનો સંપર્ક કર્યો હતો. જાણ મળતાં જ ફાઉન્ડેશનની રેસ્ક્યુ ટીમ શાળાના પરિસરમાં પહોંચી હતી અને જરૂરી કાળજી સાથે સાપનું સફળતાપૂર્વક સુરક્ષિત રેસ્ક્યુ કર્યું હતું. ટીમની કુશળ કામગીરીના કારણે સંભવિત જોખમ ટળ્યું હતું અને શાળાના આચાર્ય, શિક્ષકો તથા વિદ્યાર્થીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.
આ સમગ્ર ઘટનામાં શાળાનાં પ્રિન્સિપાલે દાખવેલી સતર્કતા અને નેચર સેવિંગ ફાઉન્ડેશનની ત્વરિત કામગીરી પ્રશંસનીય રહી હતી. સાથે જ આ ઘટના યાદ અપાવે છે કે શાળા કે રહેણાક વિસ્તારમાં સાપ દેખાય ત્યારે ગભરાઈને તેની નજીક જવું કે તેને પકડવાનો પ્રયાસ કરવો જોખમી બની શકે છે.
આવી સ્થિતિમાં બાળકોને સાપથી દૂર રાખી નિષ્ણાત રેસ્ક્યુ ટીમની મદદ લેવી જ હિતાવહ છે. સમયસરની જાણ, સતર્ક અભિગમ અને નિષ્ણાતોની કામગીરીથી ચકલાદ મિશ્ર શાળામાં સર્જાયેલી પરિસ્થિતિનો સુરક્ષિત અંત આવ્યો હતો.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com