Skip to main content

Geo Gujarat News

વાગરાની આરોગ્ય ચોકડી નજીક બે બાઇક સામસામે અથડાઈ! ત્રણ લોકો ઇજાગ્રસ્ત, 108 મારફતે હોસ્પિટલ ખસેડાયા, વધુ સારવાર માટે ભરૂચ રીફર કરાયા

વાગરાની આરોગ્ય ચોકડી નજીક આવેલા આદિલ રેસ્ટોરન્ટની સામે બે બાઇક સામસામે ભટકાતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક પર સવાર કુલ ત્રણ લોકો ઇજાગ્રસ્ત થતાં ઘટના સ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માત બાદ ઇજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે વાગરા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, ઇજાગ્રસ્તોને વધુ સારવારની જરૂરિયાત જણાતાં તેમને વધુ સારવાર માટે ભરૂચ રીફર કરવામાં આવ્યા હતા.ઘટનાની જાણ થતાં વાગરા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોટી સંખ્યામાં લોકોનાં ટોળાં ઉમટી પડ્યાં હતાં. બીજી તરફ, અકસ્માતની જાણ થતાં પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. આરોગ્ય ચોકડી નજીક સર્જાયેલા આ અકસ્માતે વાહનચાલકોની સુરક્ષા અને માર્ગ પર સાવચેતી રાખવાની જરૂરિયાત સામે ફરી સવાલો ઊભા કર્યા છે. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી, પરંતુ ત્રણ લોકો ઇજાગ્રસ્ત થતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.ઉલ્લેખનીય છે કે વાગરા તાલુકામાં આજે એક જ દિવસમાં અકસ્માતની બે ઘટનાઓ સામે આવતાં માર્ગ સુરક્ષાને લઈને ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે. વાગરાની આરોગ્ય ચોકડી નજીક બે બાઇક વચ્ચેની ટક્કરમાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા છે, જ્યારે દહેજમાં રિલાયન્સ ગેટ નંબર-૪ નજીક ટેન્કરની અડફેટે મહિલા ડોક્ટરનું કરુણ મોત નીપજ્યું હતું. એક જ દિવસમાં બનેલી આ બે ઘટનાઓએ તાલુકામાં માર્ગ અકસ્માતોના જોખમને ફરી ઉજાગર કર્યું છે. વાહનચાલકોની બેદરકારી હોય કે અન્ય કોઈ કારણ, અકસ્માતોની હારમાળા અટકાવવા માટે વાહનચાલકોએ સાવચેતી રાખવાની સાથે સંબંધિત તંત્ર દ્વારા પણ માર્ગ સુરક્ષાનાં પગલાં વધુ અસરકારક બનાવવાની જરૂર છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!