ભરૂચ જિલ્લા કોંગ્રેસમાં બેઠક અને પ્રેસ કોન્ફરન્સ બાદ સર્જાયેલો વિવાદ હવે પોલીસ સ્ટેશન સુધી પહોંચતાં રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે. જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબેન તડવીએ ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી સામે ગાળાગાળી, ધમકી અને જાતિ વિષયક અપમાનજનક ટિપ્પણી કર્યાના ગંભીર આક્ષેપો સાથે ભરૂચ શહેરના એ.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી છે. પક્ષના જ કાર્યાલયમાં બનેલી આ ઘટનાએ કોંગ્રેસના આંતરિક સંકલન અને મહિલા કાર્યકરોના સન્માન સામે સવાલો ઊભા કર્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ, જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે AICC પ્રભારીની હાજરીમાં બેઠક અને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. ત્યારબાદ ફોટો સેશન દરમિયાન જ્યોતિબેન તડવી અને સલીમ અમદાવાદી વચ્ચે બોલાચાલી થઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જ્યોતિબેનના જણાવ્યા અનુસાર, AICC પ્રભારી ચારુલતાબેનને મોડું થઈ રહ્યું હોવાથી તેમણે મહિલા કાર્યકરોને ફોટો સેશન પૂર્ણ કરવા જણાવ્યું હતું. આ બાબતને લઈને સલીમ અમદાવાદીએ તેમની સાથે ગાળાગાળી કરી અને હાથ-પગ તોડી નાખવાની ધમકી આપી હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે. આ ઉપરાંત, આદિવાસી સમાજના સન્માનને ઠેસ પહોંચાડતી જાતિ વિષયક ટિપ્પણી કરવામાં આવી હોવાનો પણ દાવો કરતાં તેમણે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરી છે.
આ વિવાદ હવે માત્ર બે હોદ્દેદારો વચ્ચેની બોલાચાલી પૂરતો સીમિત રહ્યો નથી. જ્યોતિબેન તડવીએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો સલીમ અમદાવાદીને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં નહીં આવે તો તેઓ મહિલા કાર્યકરો સાથે સામૂહિક રાજીનામાં આપશે. આ ચીમકીએ કોંગ્રેસના જિલ્લા સંગઠન સામે નવો પડકાર ઊભો કર્યો છે. હવે પક્ષનું મોવડીમંડળ મહિલા પ્રમુખની ફરિયાદને કેવી રીતે લે છે અને સંગઠન સ્તરે શું પગલાં ભરે છે તેના પર સૌની નજર છે. બીજી તરફ, સલીમ અમદાવાદીએ જ્યોતિબેન દ્વારા કરવામાં આવેલા તમામ આક્ષેપોને નકારી કાઢ્યા છે. તેમના જણાવ્યા મુજબ, વોટ ચોરી બચાવો, દેશ બચાવો અભિયાન અંતર્ગત બેઠક અને પ્રેસ કોન્ફરન્સ પૂર્ણ થયા બાદ ફોટા પડાવવાની પ્રક્રિયા ચાલી રહી હતી. તે દરમિયાન બધાના ફોટા પડાવવા બાબતે માત્ર બે-ત્રણ મિનિટ સામાન્ય બોલાચાલી થઈ હતી. તેમણે ગાળાગાળી કે મારપીટની ધમકી આપ્યાનો ઇનકાર કરતાં જણાવ્યું હતું કે તેઓ છેલ્લા 20 વર્ષથી કોંગ્રેસ સંગઠન સાથે જોડાયેલા છે અને છેલ્લા દોઢ વર્ષથી શહેર પ્રમુખની જવાબદારી નિભાવી રહ્યા છે. તેમણે આ ઘટનાને સામાન્ય મતભેદ ગણાવી પોલીસ તપાસમાં સહકાર આપવાની તૈયારી દર્શાવી છે. હવે સવાલ એ છે કે કોંગ્રેસના જ કાર્યાલયમાં મહિલા પ્રમુખ સાથે ખરેખર શું બન્યું હતું? જ્યોતિબેનના ગંભીર આક્ષેપો અને સલીમ અમદાવાદીના સ્પષ્ટ ઇનકાર વચ્ચે સત્ય બહાર લાવવાની જવાબદારી હવે પોલીસ તપાસની છે. બીજી તરફ, પક્ષના હોદ્દેદારો વચ્ચેના આ વિવાદનો અંત સમાધાનથી આવશે કે સામૂહિક રાજીનામાં સુધી પહોંચશે તે જોવું રહ્યું. હાલ અરજીમાં કરાયેલા આક્ષેપો અને તેના જવાબ વચ્ચે હકીકત સ્પષ્ટ થવી બાકી છે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com