ભરૂચની શ્રી કે. જે. પોલિટેકનિકમાં મિડ સેમેસ્ટર પરીક્ષાની વ્યવસ્થાને લઈને વિદ્યાર્થીઓમાં ભારે અસંતોષ ફાટી નીકળ્યો છે. વિવિધ બ્રાન્ચના વિદ્યાર્થીઓએ પરીક્ષા આયોજન અને મૂલ્યાંકન પદ્ધતિ સામે ગંભીર સવાલો ઉઠાવી સંસ્થાના શૈક્ષણિક વહીવટની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી છે. વિદ્યાર્થીઓના આક્ષેપ મુજબ સિલેબસ સમયસર જાહેર કરવામાં આવ્યો નહોતો, વર્ગખંડમાં ભણાવવામાં ન આવેલા મુદ્દાઓમાંથી પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, સિલેબસ અને પ્રશ્નપત્ર વચ્ચે કોઈ સુસંગતતા જોવા મળી નહોતી અને પરીક્ષાની તૈયારી માટે પણ પૂરતો સમય આપવામાં આવ્યો નહોતો. પરીક્ષા જેવી મહત્વપૂર્ણ પ્રક્રિયામાં જ આવી અવ્યવસ્થા સર્જાતાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિત સામે સવાલો ઊભા થયા છે.
વિદ્યાર્થીઓએ ખાસ કરીને થર્ડ અને ફિફ્થ સેમેસ્ટરની ઓપન બુક પરીક્ષા પદ્ધતિને લઈને ગંભીર વાંધો ઉઠાવ્યો છે. આ પદ્ધતિ ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (GTU)ના નિયમો અનુસાર છે કે કેમ અને તેના માટે યુનિવર્સિટીની અધિકૃત મંજૂરી લેવામાં આવી છે કે નહીં તે અંગે સ્પષ્ટતા માગવામાં આવી છે. વિદ્યાર્થીઓનો સવાલ છે કે જો પરીક્ષાની પદ્ધતિ અને અભ્યાસક્રમ અંગે જ સ્પષ્ટતા ન હોય તો વિદ્યાર્થીઓના મૂલ્યાંકનમાં પારદર્શિતા અને સમાનતા કેવી રીતે જળવાશે? આ મુદ્દે તમામ બ્રાન્ચના વિદ્યાર્થીઓએ એકસાથે આચાર્ય સમક્ષ સામૂહિક રજૂઆત કરી પરીક્ષા વ્યવસ્થામાં તાત્કાલિક સુધારા કરવાની માગ કરી છે.
વિદ્યાર્થીઓએ સિલેબસ સમયસર જાહેર કરવા, પરીક્ષામાં માત્ર ભણાવવામાં આવેલા અભ્યાસક્રમને જ આવરી લેવા અને પ્રશ્નપત્રની રચનામાં પારદર્શિતા જાળવવા સહિતની માગણીઓ રજૂ કરી છે. સાથે જ ઓપન બુક પરીક્ષા પદ્ધતિ અંગે GTUના નિયમો અને મંજૂરીની સ્થિતિ સ્પષ્ટ કરવાની માગ કરી છે. વિદ્યાર્થીઓએ ચેતવણી આપી છે કે જો તેમની રજૂઆતનો યોગ્ય અને સંતોષકારક ઉકેલ નહીં આવે તો મામલો ઉચ્ચ શૈક્ષણિક સત્તાધિકારીઓ અને GTU સુધી લઈ જવામાં આવશે. બીજી તરફ, વિદ્યાર્થીઓની ફરિયાદ અંગે સંસ્થાના આચાર્ય એસ. એન. મિસ્ત્રીએ જણાવ્યું હતું કે અભ્યાસક્રમ નિયમો અનુસાર જ રાખવામાં આવ્યો હતો અને તેની જાણ વિદ્યાર્થીઓને અગાઉથી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ સાથે અન્યાય થયો હોવાનો પ્રશ્ન જ નથી. જોકે, એક પેપરમાં પરીક્ષાના સમયને લઈને ગેરસમજ ઊભી થઈ હોવાનું તેમણે સ્વીકાર્યું હતું.
વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને યોગ્ય સુધારો કરી નિર્ણય લેવામાં આવશે અને અભ્યાસ તથા પરીક્ષા સંબંધિત રજૂઆતોનો ટૂંક સમયમાં ઉકેલ લાવવામાં આવશે તેવી ખાતરી પણ તેમણે આપી હતી. હવે સવાલ એ છે કે પરીક્ષા વ્યવસ્થામાં વિદ્યાર્થીઓ દ્વારા ઉઠાવવામાં આવેલા આટલા ગંભીર પ્રશ્નો માત્ર ગેરસમજ ગણીને પૂર્ણ થઈ જશે કે પછી સંસ્થા વાસ્તવિક ખામીઓની તપાસ કરી જવાબદારી નક્કી કરશે? કારણ કે પરીક્ષા એ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલી બાબત છે, તેમાં આયોજનની ખામી કે અભ્યાસક્રમ અંગેની અસ્પષ્ટતાનો ભોગ અંતે વિદ્યાર્થીઓને જ બનવું પડે છે. હવે વિદ્યાર્થીઓની રજૂઆત બાદ સંસ્થાનું તંત્ર કેટલા સમયમાં અને કેવો ન્યાયસંગત નિર્ણય લે છે તેના પર સૌની નજર ટકેલી છે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com