ઉત્તરાખંડના જોશીમઠ નજીક હવામાનની ખરાબી વચ્ચે એક હેલિકોપ્ટર દુર્ઘટનાનો ભોગ બનતાં છ લોકોનાં કરુણ મોત નીપજ્યાં છે. બદ્રીનાથ ધામથી દહેરાદૂન પરત ફરી રહેલું ટ્રાન્સ ભારત એવિયેશન પ્રાઇવેટ લિમિટેડનું હેલિકોપ્ટર જોશીમઠની ખીણમાં અકસ્માતગ્રસ્ત થયું હતું. આ દુર્ઘટનામાં હેલિકોપ્ટરમાં સવાર તમામ છ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, હેલિકોપ્ટર બદ્રીનાથથી દહેરાદૂનના સહસ્ત્રધારા તરફ જવા માટે બપોરે 1:15 વાગ્યે રવાના થયું હતું. જોકે, જોશીમઠ નજીક બપોરે 2:20 વાગ્યાના અરસામાં હેલિકોપ્ટરનો સંપર્ક તૂટી ગયો હતો. જોશીમઠમાં જેપી પાવર હાઉસ નજીક હેલિકોપ્ટર તૂટી પડ્યું હોવાનું સામે આવ્યું હતું. વરસાદી માહોલ અને પ્રતિકૂળ હવામાનને કારણે દુર્ઘટના સર્જાઈ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. ઉત્તરાખંડ સિવિલ એવિયેશન ડેવલપમેન્ટ ઓથોરિટી (યુકાડા)ના જણાવ્યા અનુસાર, હેલિકોપ્ટર જોશીમઠ ખીણમાંથી પસાર થઈ રહ્યું હતું ત્યારે તેનો સંપર્ક તૂટી ગયો હતો. તે જ સમયે ટ્રેકિંગ સિસ્ટમ પરથી પણ હેલિકોપ્ટરનું લોકેશન અદૃશ્ય થઈ ગયું હતું, જેના કારણે તેનું ચોક્કસ સ્થાન શોધવામાં મુશ્કેલી ઊભી થઈ હતી.
દુર્ઘટનાની જાણ થતાં જ ચમોલી જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ, એસડીઆરએફ, ભારતીય સેના અને આઈટીબીપીની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને રાહત તથા બચાવ કામગીરી શરૂ કરી હતી. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા છ લોકોની ઓળખ કેપ્ટન હિમાંશુ, પ્રતાપ, અરુણ, શંકર ગૌડા, સુધીર કે. અને એચ.સી. નટરાજ તરીકે કરવામાં આવી છે. તમામ મૃતકો કર્ણાટકના હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. ઘટનાને પગલે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પરિસ્થિતિ અંગે સતત નજર રાખવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું. તેમણે સંબંધિત અધિકારીઓને બચાવ કામગીરી ઝડપી બનાવવા તેમજ ગંભીર રીતે ઇજાગ્રસ્ત લોકોને તાત્કાલિક એરલિફ્ટ કરીને ઉચ્ચ કક્ષાની તબીબી સુવિધા ધરાવતી હોસ્પિટલમાં પહોંચાડવા જરૂરી સૂચનાઓ આપી હતી. ઉલ્લેખનીય છે કે, ઉત્તરાખંડના ચારધામ યાત્રા માર્ગ પર હેલિકોપ્ટર દુર્ઘટનાઓનો સિલસિલો ચિંતાજનક રહ્યો છે. વર્ષ 2015થી 2025 દરમિયાન ચારધામ વિસ્તારમાં હેલિકોપ્ટરની કુલ નવ દુર્ઘટનાઓ નોંધાઈ હતી, જેમાં આઠ અકસ્માત અને એક ગંભીર અકસ્માતનો સમાવેશ થાય છે. વર્ષ 2022થી રાજ્યમાં દર વર્ષે ઓછામાં ઓછો એક હેલિકોપ્ટર અકસ્માત નોંધાયો છે. જ્યારે ગત વર્ષે ચાર અકસ્માતો થયા હતા, જેમાં બે ગંભીર પ્રકારના હતા. આ આંકડા પહાડી વિસ્તારોમાં હેલિકોપ્ટર સેવા અને હવાઈ સુરક્ષાના પ્રશ્નોને ફરી ચર્ચાના કેન્દ્રમાં લાવ્યા છે. બદ્રીનાથ ધામ ચારધામ યાત્રાનાં ચાર પવિત્ર ધામોમાંનું એક હોવાથી અહીં દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચે છે. ત્યારે યાત્રા દરમિયાન સર્જાયેલી આ કરુણ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફેલાવ્યું છે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com