કરાચી બંદરે પહોંચ્યા બાદ જહાજ અટકાવાયું: પાકિસ્તાનના કરાચી બંદર પર છેલ્લા સાત મહિનાથી એક ભારતીય માલવાહક જહાજ અટવાયેલું હોવાના અહેવાલે ચિંતા જગાવી છે. આ જહાજ પર ચીફ ઓફિસર વિનીત કિશોર મિશ્રા સહિત છ ભારતીય નાવિકો લાંબા સમયથી ફસાયેલા છે. નોકરીના કરારની મુદત પૂર્ણ થઈ હોવા છતાં વતન પરત ફરવાનો માર્ગ ન ખુલતાં નાવિકો મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. બીજી તરફ, પરિવારજનોની ધીરજ પણ ખૂટી રહી છે અને હવે તેમણે ભારત સરકાર પાસે તાત્કાલિક હસ્તક્ષેપની માગ કરી છે. મળતી માહિતી અનુસાર, ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના રહેવાસી વિનીત કિશોર મિશ્રાએ 25 ફેબ્રુઆરીએ ઈરાનના બંદર અબ્બાસ નજીક સમુદ્રમાં જહાજ પર ફરજ સંભાળી હતી. ત્યારબાદ આ માલવાહક જહાજ 17 એપ્રિલે પાકિસ્તાનના કરાચી બંદરે પહોંચ્યું હતું. જોકે, સ્થાનિક કોર્ટના આદેશ બાદ 29 એપ્રિલથી જહાજને ત્યાં અટકાવી દેવામાં આવ્યું હતું. ત્યારથી વિનીત સહિત છ ભારતીય નાવિકો જહાજ પર જ રહેવા મજબૂર બન્યા છે. તેમના રોજગાર કરારની મુદત પૂરી થઈ ગઈ હોવા છતાં જહાજ પરથી ઉતરવાની પરવાનગી ન મળતી હોવાનો પરિવારનો દાવો છે.
પાસપોર્ટ કબજામાં, જહાજમાં વીજળી પણ બંધ: જહાજ પર ફસાયેલા નાવિકોની મુશ્કેલીઓ માત્ર વતન પરત ન ફરી શકવા પૂરતી સીમિત નથી. નાવિકોએ ભારતીય દૂતાવાસને કરેલી રજૂઆતમાં પાસપોર્ટ અને સીફેરર્સ બુક તેમની પાસે ન હોવાની ફરિયાદ કરી છે. આ દસ્તાવેજો સ્થાનિક અધિકારીઓ અથવા જહાજના એજન્ટ પાસે હોવાનો તેમનો આક્ષેપ છે. પરિણામે પોતાની રીતે ભારત પરત ફરવાની પ્રક્રિયા પણ અટવાઈ ગઈ છે. આ ઉપરાંત, જહાજ પર લાંબા સમયથી વીજળીનો પુરવઠો બંધ હોવાની માહિતી સામે આવી છે. બંદર પ્રશાસન તરફથી ભોજન આપવામાં આવતું હોવા છતાં અન્ય આવશ્યક સુવિધાઓ અને પુરવઠાની અછતને કારણે નાવિકોની મુશ્કેલી વધી રહી છે. તેમની તબિયત પણ કથળી રહી હોવાના અહેવાલ છે, જેના કારણે તેમના સ્વાસ્થ્ય અને સુરક્ષાને લઈને ગંભીર ચિંતા વ્યક્ત થઈ રહી છે.
ત્રણ વર્ષનો પુત્ર પિતાની રાહ જુએ છે, પરિવાર દિલ્હીમાં મદદ માટે રઝળપાટ કરી રહ્યો છે: વિનીત મિશ્રાની પત્ની નેહા હવે પોતાના નાના બાળકો અને પરિવાર સાથે ન્યાયની આશા લઈને દિલ્હી પહોંચ્યાં છે. તેમની સાથે ત્રણ વર્ષનો પુત્ર વેદાંશ, માત્ર 10 મહિનાની પુત્રી અને આર્મીમાંથી નિવૃત્ત થયેલા સસરા લલિત કિશોર મિશ્રા પણ છે. પરિવાર વડાપ્રધાન, રાષ્ટ્રપતિ અને વિદેશ મંત્રાલય સમક્ષ રજૂઆત કરીને પાકિસ્તાનમાં ફસાયેલા તમામ ભારતીય નાવિકોની સુરક્ષિત વાપસી માટે મદદ માગી રહ્યો છે. નેહાના જણાવ્યા મુજબ, તેમનો ત્રણ વર્ષનો પુત્ર વારંવાર પિતા ક્યારે ઘરે આવશે તેવો સવાલ કરે છે. લાંબા સમયથી પરિવારના મુખ્ય કમાઉ સભ્યથી દૂર રહેવાની વેદના વચ્ચે આર્થિક મુશ્કેલીઓ પણ વધી છે. હાલમાં પરિવારનો ખર્ચ નિવૃત્ત સસરાને મળતી પેન્શનના આધારે ચાલી રહ્યો હોવાનું તેમણે જણાવ્યું છે.
સાંસદ અને ધારાસભ્યની પણ કેન્દ્ર સરકારને રજૂઆત! આ મામલે સ્થાનિક સાંસદ અને ધારાસભ્ય દ્વારા પણ કેન્દ્ર સરકારને પત્ર લખીને ભારતીય નાવિકોની વહેલી તકે વતન વાપસી માટે જરૂરી પગલાં ભરવાની અપીલ કરવામાં આવી છે. હવે પરિવારની નજર ભારત સરકાર અને વિદેશ મંત્રાલયના રાજદ્વારી પ્રયાસો પર ટકેલી છે. સાત મહિનાથી વિદેશી બંદરે અટવાયેલા છ ભારતીય નાવિકોનો આ મામલો માત્ર રોજગારનો નહીં, પરંતુ તેમની સુરક્ષા, માનવતાપૂર્ણ વ્યવહાર અને પરિવાર સાથે પુનઃમિલનનો પણ છે. સરકાર આ મામલે કેટલી ઝડપથી પગલાં ભરે છે અને છ નાવિકો ક્યારે સુરક્ષિત રીતે પોતાના પરિવાર સુધી પહોંચે છે તે જોવું રહ્યું.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com